
અમદાવાદ,
સ્ટુડન્ટસ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન (એસઆઇઓ) ગુજરાતે આજે અહમદાબાદ ખાતે આગામી વિધાનસભા ની ચૂંટણી સંદર્ભે વિધાર્થી અને યુવાઓ ને લગતા મુદ્દાઓને સંબોધીને તૈયાર કરેલ મેનિફેસ્ટો જાહેર કર્યો .
મેનિફેસટો લોન્ચિંગ કાર્યક્રમ ની શરૂઆત કરતા એસઆઇઓ ગુજરાતની પ્રદેશ સલાહકાર સમિતિના સભ્ય ઇબ્રાહીમ શેઠ એ જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને યુવાનો કોઈ પણ સમાજમાં મહત્વના ભાગીદારો છે. આજના આ પડકારજનક સમયમાં વિદ્યાર્થીઓ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેને જો અવગણી દેવામાં આવે તો કોઈ પણ રાજ્યનો વિકાસ કુંઠિત થઈ જાય.આગામી મહિનામાં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પરિસ્થિતિમાં સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઇઝેશન – ગુજરાત ઝોન દ્વારા વિદ્યાર્થી સમુદાયને લગતા મુદ્દાઓ વિશે અને તેમની માંગણીઓ દર્શાવતો વિદ્યાર્થી મેનિફેસ્ટો જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એસઆઇઓ ગુજરાત ના પ્રદેશ પ્રમુખ જાવેદ કુરેશી એ જણાવ્યું કે વિદ્યાર્થી સમુદાય અને યુવાઓને લગતા મુદ્દાઓ, સમસ્યાઓ અને તેના નિરાકરણ માટેના સૂચનો મેનિફેસ્ટોનો મુખ્ય ભાગ છે. અમે આશા રાખીએ છીએ કે તમામ રાજકીય પક્ષો અમારી માંગણીઓનો સકારાત્મક પ્રતિસાદ આપશે અને તેને પોતાના ચૂંટણી મેનિફેસ્ટો અને પ્રચારમાં તેને ચર્ચાનો વિષય બનાવશે.
અમે આશા રાખીએ છીએ કે આ પરામર્શ પ્રક્રિયા એક ગતિશીલ લોકશાહી કવાયતની ખાતરી કરશે, અને તેને સુનિશ્ર્ચિત કરશે કે વિદ્યાર્થીઓ અને વિશેષ કરીને શિક્ષણ અને બેરોજગારીના મુદ્દાઓ ચૂંટણીમાં મુખ્ય મુદ્દા બને અને શિક્ષણ, રોજગાર, માનવ અધિકાર અને યુવાઓના પ્રશ્ર્નો અને સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ થાય.વધુમાં તેમને કહ્યું કે શિક્ષણ અને યુવાઓના પ્રશ્ર્નો વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો હોવો જોઈએ અને તેનો સમાવેશ રાજકીય પક્ષોના મેનિફેસ્ટોમાં થવો જોઈએ.