- પહેલીવાર કોઈ મહિલાને રાવણ દહન કરવાની તક મળતા સુબ્રમણ્યમ સ્વામીએ વાંધો ઉઠાવ્યો હતો.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી કંગના રનૌત તેની ફિલ્મોની સાથે તેના સ્પષ્ટ અને વિવાદિત નિવેદન માટે જાણીતી છે. કંગના રનૌતનું નિવેદન દરરોજ સમાચારોમાં રહે છે. હવે કંગના રનૌત ફરી એકવાર સોશિયલ મીડિયા પર પ્રખ્યાત રાજકારણી સુબ્રમણ્યમ સ્વામી સાથે ટકરાઈ છે.
નોંધનીય છે કે દિલ્હીની લવ કુશ રામલીલાના 50 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે કોઈ મહિલાને રાવણ દહન કરવાની તક મળી હોય અને આ અંગે સુબ્રમણ્યમ સ્વામીએ વાંધો ઉઠાવ્યો હતો. વાત એમ છે કે સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કંગના રનૌતની બિકીની તસવીર પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો, જે અભિનેત્રીને પસંદ ન આવ્યો. આ પછી કંગના રનૌતે સુબ્રમણ્યમ સ્વામી પર જોરદાર નિશાન સાધ્યું છે.
એક યુઝરે કંગના રનૌતનો બિકીની ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. આ ફોટો રી-શેર કરતી વખતે સુબ્રમણ્યમ સ્વામીએ કંગના રનૌતને આપવામાં આવેલી સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હીમાં રામલીલામાં મહેમાન તરીકે કંગના રનૌતના રાવણ દહન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. કંગના રનૌતે તેમના વિરોધ પર એક લાંબી પોસ્ટ લખીને સુબ્રમણ્યમ સ્વામી પર વળતો પ્રહાર કર્યો છે.
કંગના રનૌતે સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટનો જવાબ આપતા લખ્યું, ‘સ્વિમસૂટ પહેરેલ ફોટો બતાવીને તમે એવું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છો કે રાજકારણમાં મારું સ્થાન બનાવવા માટે મારી પાસે મારા શરીર સિવાય બીજું કંઈ નથી. હા હા હું એક કલાકાર છું હિન્દી ફિલ્મોની મહાન અભિનેત્રીઓમાંની એક છું. લેખક, દિગ્દર્શક અને નિર્માતા હોવા ઉપરાંત, હું દક્ષિણપંથી પ્રભાવક અને ક્રાંતિકારી પણ છું.’
આગળ કંગનાએ લખ્યું કે, ‘ મારી જગ્યાએ કોઈ પુરુષ હોત તો પણ તમે તેના વિશે આવી ધારણા બાંધી હોત? મહિલાઓને લગતી તમારી વિચારધારા જોઈને લાગે છે કે તમે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છો. સ્ત્રીઓ માત્ર સેક્સ માટે જ નથી. તેમની પાસે એક માણસની જેમ મગજ, હૃદય, પગ, હાથ સહિત બધું છે. આ સાથે મહિલાઓમાં પણ પુરૂષોની જેમ મહાન નેતા બનવાની ક્ષમતા હોય છે. કંગનાની આ પ્રતિક્રિયાને ઘણા લોકોએ સમર્થન આપ્યું છે. એક યુઝરે લખ્યું, ‘નફરત ફેલાવનારા આ માણસને સચોટ જવાબ આપવામાં આવ્યો છે.’
આ વર્ષે જુલાઈમાં પણ કંગના અને સુબ્રમણ્યમ વચ્ચેના વિવાદના સમાચાર સામે આવ્યા હતા. વાસ્તવમાં, કંગનાનું નામ લીધા વિના, સ્વામીએ તેને આપવામાં આવેલી Y+ સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે લખ્યું હતું કે, ‘SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ) જાણે છે અને તેની ગતિવિધિઓનું રજિસ્ટર રાખ્યું છે. મને આશ્ચર્ય થાય છે, કારણ કે બોલિવૂડ સ્ટાર્સ પર નજર રાખવાનું કામ SPGનું નથી. તેમના કેસમાં તેમને પહેલાથી જ ઉચ્ચ સ્તરીય સુરક્ષા આપવામાં આવી છે.