સ્ટ્રગલના દિવસો યાદ કરીને ઇમોશનલ થયો : મનોજ બાજપાઈ

મુંબઇ,

મનોજ બાજપાઈ ઇન્ડસ્ટ્રીમાં જે સ્ટ્રગલ વેઠી હતી એ દિવસોને યાદ કરીને ઇમોશનલ થયો હતો. એક સમય એવો આવ્યો હતો જ્યારે તેને પૈસાની ખૂબ જરૂર હતી. તેની પાસે કામ નહોતું એથી તેણે રામ ગોપાલ વર્મા પાસે કામ માગ્યું હતું. બાદમાં તેને ‘દૌડ’ ફિલ્મમાં કામ મળ્યું અને એને માટે તેને ૩૦,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. એનાથી તેણે ઘરનું ભાડું ભર્યું હતું.

રામ ગોપાલ વર્મા સાથે કરેલી વાતોને યાદ કરતાં મનોજ બાજપાઈએ કહ્યું કે ‘મેં ‘બેન્ડિટ ક્વીન’માં કામ કર્યું હતું, પરંતુ તમે મને ઓળખી ન શકો, કેમ કે મેં મૂંગા વ્યક્તિનો રોલ કર્યો હતો. મેં જ્યારે તેમને કહ્યું કે મેં માન સિંહનો રોલ કર્યો હતો. એટલું સાંભળતાં જ તેઓ ઊભા થઈ ગયા અને મને કહ્યું કે હું ઘણાં વર્ષોથી તને શોધતો હતો, મને તારો નંબર નહોતો મળી રહ્યો. એક કામ કર ‘દૌડ’ને ભૂલી જા. મારી પાસે તારા માટે એક ફિલ્મ છે. એમાં તું લીડ રોલ કરજે. મને એ સાંભળીને સારું તો લાગ્યું, પરંતુ હું જાણતો હતો કે જો હું આ ફિલ્મ કરીશ તો મને હાલમાં પૈસા નહીં મળે.

મારે ભાડું ચૂકવવા માટે પૈસા જોઈતા હતા. અનેક લોકો આવાં પ્રૉમિસ આપે છે એટલે મેં તેમને કહ્યું, ‘સર એ ફિલ્મ જ્યારે બનવાની હશે ત્યારે બનશે. મને આ ફિલ્મમાં કામ કરવા દોને. મને પૈસાની જરૂર છે.’ ત્યારે તેમણે મને કહ્યું, ‘મારા પર ભરોસો રાખ. હું તારા માટે ફિલ્મ બનાવીશ.’ જોકે મેં રોલ પર વધુ ભાર મૂક્યો હતો.’