મુંબઇ, બુધવારના મોટા ઘટાડા પછી, ગુરુવાર, ૧૪ માર્ચના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારના રોકાણકારો માટે રાહત મળી. આઈટી, એફએમસીજી શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. તેથી મિડકેપ અને સ્મોલકેપ શેરો કે જેમાં રોકાણકારોએ ઘટાડાને પગલે તેમની મહેનતની કમાણી ગુમાવી હતી, તેમાં ગુરુવારના સત્રમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે બીએસઇ સેન્સેક્સ ૭૩૦૦૦ને પાર કરી ૩૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩,૦૯૭ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૨,૦૦૦ પાર કરવામાં સફળ રહ્યો હતો અને ૧૪૯ પોઈન્ટ વધીને ૨૨,૧૪૬ પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોએ જોરદાર કમબેક કર્યુ હતું. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ ૯૩૦ પોઈન્ટ અથવા ૨.૦૨ ટકાના વધારા સાથે બંધ થયો છે. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૫૦૦ પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો. જો કે સવારના ઘટાડાના સ્તર પરથી જોવામાં આવે તો મિડકેપ ઈન્ડેક્સમાં ૧૬૦૦ પોઈન્ટથી વધુ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૭૦૦ પોઈન્ટની નીચી સપાટીથી રિકવરી જોવા મળી છે. આજના કારોબારમાં આઈટી, ફાર્મા, એફએમસીજી, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઉછાળા સાથે બંધ થયા છે. માત્ર બેન્કિંગ શેરોમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૮ શેર ઉછાળા સાથે અને ૧૨ નુક્સાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટી ના ૫૦ શૅર્સમાંથી ૩૫ શૅર્સ લાભ સાથે અને ૧૫ ઘટાડા સાથે બંધ થયા હતા.
ગુરુવારના સત્રમાં શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ૮ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે, જે બુધવારે ઘટીને ૧૪ લાખ કરોડ રૂપિયા ઘટી ગયો હતો.બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. ૩૮૦.૧૬ લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. ૩૭૨.૧૧ લાખ કરોડ હતું. બુધવારના મોટા ઘટાડા પછી બીજા દિવસે ગુરુવારે શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. વેલ્યુ સ્ટોક્સના શૈલેષ સરાફના મતે લોક્સભા ચૂંટણીના પરિણામો જાહેર થાય ત્યારે બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. પરંતુ લાંબા ગાળે બજાર મજબૂત રહેશે. વેલ્યુ સ્ટોક્સ અનુસાર પીએસયુ શેરોએ મજબૂત વળતર આપ્યું છે. ૨૦૨૩ માં, નિફ્ટી બીએસઈ ઇન્ડેક્સ ૭૭% વધ્યો , જે નિફ્ટી ૫૦ ના ૨૦% વળતરને વટાવી ગયો.પીએસઈ ઇન્ડેક્સે ૨૦૨૪ માં નિફ્ટી ૫૦ ના ૩% વળતરની તુલનામાં ૨૧% વળતર આપ્યું છે.