વૈશ્વિક બજારમાં ઉથલપાથલ વચ્ચે સ્થાનિક શેરબજાર મંગળવારે મજબૂતી સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૭૮.૧૮ પોઈન્ટના તીવ્ર વધારા સાથે ૮૦,૮૦૨.૮૬ ના સ્તરે બંધ થયો હતો. આવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (નિફ્ટી ) પણ ૧૨૬.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૬૯૮.૮૫ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી બેંકમાં પણ ૪૩૪.૮૦ પોઈન્ટનો અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો અને તે ૫૦,૮૦૩.૧૫ પર બંધ રહ્યો હતો. ૨૦ ઓગસ્ટના રોજ નિફ્ટી ૫૦માં એચડીએફસી બેક્ધ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આઇસીઆઇસીઆઇ બેક્ધ, એક્સિસ બેક્ધ અને બજાજ ફાઇનાન્સનો સૌથી મોટો ફાળો હતો.
નિફ્ટી માં સૌથી વધુ ફાયદો એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ, એચડીએફસી લાઇફ, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ અને ઇન્ડસઇન્ડ બેક્ધમાં જોવા મળ્યો હતો, જ્યારે ઓએનજીસી ભારતી એરટેલ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, સિપ્લા અને અપોલો હોસ્પિટલ્સમાં નુક્સાન જોવા મળ્યું હતું. એફએમસીજીને બાદ કરતાં અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો બેંક, હેલ્થકેર, આઈટી, મેટલ, પાવર ૦.૫-૧ ટકાના ઉછાળા સાથે લીલા રંગમાં બંધ થયા છે. એ જ રીતે,બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૧ ટકા વધ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૫ ટકા વધ્યો હતો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન અગાઉના સત્રમાં આશરે ૪૫૪.૪ લાખ કરોડથી વધીને લગભગ ૪૫૬.૭ લાખ કરોડ થઈ હતી. રોકાણકારોએ એક જ સત્રમાં ૨ લાખ કરોડથી વધુનો ફાયદો મેળવ્યો હતો.બીએસઇ પર ઇન્ટ્રાડે ટ્રેડ વિશે વાત કરીએ તો ટીસીએસ ટેક મહિન્દ્રા, સન ફાર્મા, અશોક લેલેન્ડ, એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની,આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની, પસસ્ટન્ટ સિસ્ટમ્સ, શ્રીરામ ફાઇનાન્સ અને ટ્રેન્ટ સહિત લગભગ ૩૦૦ શેરો ૫૨-સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા.