મુંબઇ, સમગ્ર દેશભરમાં વરસાદ પૂરતા પ્રમાણમાં પડવાની સાથે દુષ્કાળની સંભાવનામાં ઘટાડો થવાના લીધે ગ્રામીણ કૃષિ અર્થતંત્ર મજબૂત બનશે, તેના લીધે આર્થિક વિકાસને વેગ મળશે. તેના ઉપરાંત મોંઘવારી અને ફુગાવામાં ઘટાડાની અપેક્ષાની સાથે આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવનાએ શેરબજારમાં અવિરત તેજી જારી રહી હતી.
તેના લીધે બીએસઇ સેન્સેક્સ ૨૭૪ પોઇન્ટ ઉચકાઈને ૬૫૪૭૯.૦૫ અને નિફ્ટી ૬૬..૪૫ પોઇન્ટ વધીને ૧૯,૩૮૯ પોઇન્ટ પર બંધ આવ્યો હતો. આમ શેરબજારના સળંગ બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને ૨૯૮.૭૦ લાખ કરોડ પર પહોંચી છે.
બેંક નિફ્ટી પણ ૧૪૩.૩૫ પોઇન્ટ ઉછળી ૪૫૩૦૧.૪૫ પોઇન્ટ પર બંધ રહી. સોમવારે સેન્સેક્સ ૪૮૬.૪૯ પોઇન્ટના વધારા સાથે ૬૫,૨૦૫.૦૫ પોઇન્ટ પર અને નિફ્ટી ૧૩૫.૫ પોઇન્ટ વધીને ૧૯૩૨૨.૫૫ પોઇન્ટ પર બંધ રહ્યા હતા. આ ઉપરાંત લગભગ તમામ સેક્ટોરલ ઇન્ડેક્સીસ પ્લસમાં બંધ આવ્યા હતા. વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવનાએ રિયલ્ટી સેકટર અને ફાઇનાન્સિયલ સેક્ટરમાં પણ તેજી જોવા મળી હતી. બેક્ધિંગ સેક્ટરમાં એનપીએ નીચી હોવાના પગલે બેક્ધ શેરોમાં તેજી જોવા મળી હતી.
ચોમાસું જે અગાઉ ભારતમાં ઘણું મોડું પહોંચ્યું હતું. ચોમાસાનો સમય પહેલી જૂનનો છે પરંતુ આ વખતે ચોમાસું આઠ દિવસ મોડું આવ્યું પરંતુ ૨જી જુલાઈએ સમાચાર આવ્યા કે ચોમાસાએ હવે આખા દેશને આવરી લીધો છે, અને આ રિકવરી ઝડપથી થઈ છે. આઠમી જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસું પહોંચી જશે, પરંતુ ચોમાસામાં આવેલા આ ઉછાળાએ બજારના રોકાણકારોને ઉત્સાહિત કર્યા હતા, જેની અસર જોવા મળી હતી.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ તાજેતરના સમયમાં ભારતીય શેરબજારમાં તેમનો રસ વધાર્યો છે. થોડા મહિના પહેલા વિદેશી રોકાણકારો સતત પૈસા ઉપાડી રહ્યા હતા, પરંતુ હવે તેઓ મોટી રકમનું રોકાણ કરી રહ્યા છે. શેરબજાર ઊંચાઈને સ્પર્શી રહ્યું છે તેનું આ એક મોટું કારણ છે.