
ઉતાર-ચઢાવ વચ્ચે સ્થાનિક શેરબજાર મંગળવારે કારોબારના અંતે સપાટ બંધ રહ્યો હતો. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારના અગ્રણી સૂચકાંકો એટલે કે સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ સપાટ બંધ રહ્યા હતા. દરમિયાન, મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટ્સે તેમના ઊંચા મૂલ્યાંકન અંગે ચિંતાઓ હોવા છતાં બેન્ચમાર્ક કરતાં વધુ પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું. નિફ્ટી ૫૦ તેના અગાઉના ૨૪,૮૩૬.૧૦ના બંધ સામે ૨૪,૮૩૯.૪૦ પર ખૂલ્યો હતો અને અનુક્રમે ૨૪,૯૭૧.૭૫ અને ૨૪,૭૯૮.૬૫ની તેની ઇન્ટ્રાડે ઉચ્ચ અને નીચી સપાટીને સ્પર્શ્યો હતો.
સમાચાર અનુસાર, ઇન્ડેક્સ છેલ્લે ૨૧ પોઈન્ટ વધીને ૨૪,૮૫૭.૩૦ પર બંધ થયો હતો, જેમાં ૨૧ શેરો લીલા નિશાનમાં હતા. સેન્સેક્સ તેના અગાઉના ૮૧,૩૫૫.૮૪ના બંધ સામે ૮૧,૩૪૯.૨૮ પર ખૂલ્યો હતો અને અનુક્રમે ૮૧,૮૧૫.૨૭ અને ૮૧,૨૩૦.૪૪ની તેની ઇન્ટ્રાડે ઉચ્ચ અને નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ૩૦ શેરનો ઈન્ડેક્સ ૧૦૦ પોઈન્ટ વધીને ૮૧,૪૫૫.૪૦ પર બંધ થયો હતો, જેમાં ૧૬ શેરના વધારા સાથે.
બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ ૦.૨૭ ટકા વધ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૮ ટકા વયો હતો. બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન વધીને લગભગ રૂ. ૪૬૧ લાખ કરોડ થયું છે. એનટીપીસી, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, બીપીસીએલ, કોલગેટ-પામોલિવ (ઈન્ડિયા), મેરિકો અને લ્યુપિન સહિતના ૩૫૧ જેટલા શેરોએ બીએસઈ પર ઈન્ટ્રાડે ટ્રેડમાં ૫૨ સપ્તાહની નવી ટોચે પહોંચી હતી.
દરમિયાન, નબળા માંગના દૃષ્ટિકોણને કારણે ક્રૂડ તેલના ભાવ ઘટીને સાત સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનની નબળી માંગને લઈને વધતી જતી ચિંતાઓ વચ્ચે બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર ઘટીને ૭૯.૭૦ થઈ ગયું. યુએસ ફેડ દ્વારા આજે તેની પોલિસી મીટિંગ શરૂ થતાં વૈશ્વિક સંકેતો મિશ્ર રહ્યા હતા. ફેડ દ્વારા આ વખતે દરો યથાવત રાખવાની અપેક્ષા છે, પરંતુ બજારના સહભાગીઓ એવા સંકેતો પર ધ્યાનઃ કેન્દ્રિત કરશે કે જે સપ્ટેમ્બરમાં દરમાં ઘટાડો શરૂ થઈ શકે તેવી અપેક્ષાઓને સમર્થન આપે છે.