- સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા દાહોદ જિલ્લા કોંગ્રેસમાં મોટા પાયે ધોવાણ થયું,
- કોંગ્રેસના 10 તેમજ આપ પાર્ટીના 1 મળી કુલ ૧૧ આગેવાનો ભાજપમાં જોડાતા
- દાહોદ જિલ્લાના રાજકારણમાં ભૂકંપની સાથે ખળભળાટ જિલ્લામાં સક્ષમ નેતાગીરીના અભાવે કોંગ્રેસ બેકફુટ પર, ભાજપની સ્થિતિ મજબૂત
દાહોદ,સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ રાજકીય પક્ષોમાં ધમાસાણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ચૂંટણીઓની તારીખો જાહેર થતાં જ ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને સાંભળવા દાહોદમાં બીજેપીના નીરીક્ષકો આજે દાહોદમાં છે. તેવામાં દાહોદ જિલ્લામાં કોંગ્રેસનું ધોવાણ થતાં પીઠ રાજકારણીઓ, પૂર્વ પ્રમુખો, મહામંત્રી સહીતના હોદ્દેદારો તેમજ મહિલા કોર્પોરેટર સહીત કોંગ્રેસના 10 તેમજ 1 આપ પાર્ટીના મળી કુલ 11 આગેવાનો ભાજપમાં જોડાઈ જતા દાહોદ જિલ્લામાં રાજકીય ભૂકંપની સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. આજરોજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લીમખેડા તીર્થ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલીયાર, ભાજપ જિલ્લા મંત્રી સ્નેહલભાઈ ધરીયા તેમજ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ સુધીરભાઈ લાલપુર વાળાની હાજરીમાં કોંગ્રેસના 10 તેમજ આપ પાર્ટીના 1 મળી કુલ 11 આગેવાનો આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. જોકે હજી પણ કેટલાક મુરતિયાઓ પણ નજીકના સમયમાં ભાજપમાં જોડાવવાની પપ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે અગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારે રસપ્રદ જંગ જમવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
કોંગ્રેસના પીઢ રાજકારણીએ 15 વર્ષ બાદ પુનઃ ભાજપમાં જોડાયા:તકવાદી હોવાના કોંગ્રેસના સ્થાનિક નેતાઓના આક્ષેપોથી રાજકારણમાં ગરમાવો
દાહોદ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા શહેરનો રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં વર્ષોથી રાજકારણમાં સક્રિય તેમજ લગભગ 35 ઉપરાંત સંસ્થાઓ ધરાવતા કોંગ્રેસના પીઠ રાજકારણી ગણાતા ગોપાલભાઈ ધાનકા 2005 માં પણ કોંગ્રેસ જોડે છેડો ફાડી ભાજપમાં સામેલ થયાં હતા.તેમજ ટૂંકા ગાળામાં જ પુનઃ કોંગ્રેસમાં સામેલ થઇ જતા તેઓની ઘરવાપસી થઇ હતી. હાલ જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના લીધે રાજકીય પક્ષો સક્રિય થયાં છે. તેમજ ભાજપના ચૂંટણી નિરીક્ષકો આજે દાહોદમાં આવ્યા છે ત્યારે લીમખેડા ખાતેના કાર્યક્રમમાં ગોપાલભાઈ ધાનકા ફરી એક વખત કોંગ્રેસ જોડે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે.ત્યારે આ વખતે તેઓની બી.એડ. કોલેજ ને ગુરૂ ગોવિંદસિંહ યુનિવર્સીટીની માન્યતા પ્રાપ્ત ન થતાં 400 ઉપરાંત વિધાર્થીઓની લાયકાત ઉપર સવાલો ઉભા થવા પામ્યા હતા. જેને લઈને લાંબી લડત બાદ પણ કોલેજની માન્યતા બાબતે પરિણામ શૂન્ય આવ્યો હતો. અને ત્યારબાદ ભાજપના સ્થાનિક કદાવર નેતા જોડે મળી ભાજપ હાઇકમાન્ડ જોડે બંધ બારણે ડીલ(સોદેબાજી) થયાં બાદ તેમની બી.એડ. કોલેજને યુનિવર્સિટીની માન્યતા પ્રાપ્ત થઈ હતી. અને ભાજપ જોડે થયેલ ડીલ(સોદાબાજી) સંદર્ભે તેઓ પુનઃ ભાજપમાં આવ્યા હોવાની ચર્ચાઓ દાહોદ શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. જયારે કોંગ્રેસના જુના અને પીઠ રાજકારણીઓના જણાવ્યા અનુસાર ગોપાલભાઈ ધાનકા આ અગાઉ 2005 માં પણ તક નો લાભ લેવા ભાજપમાં ગયા હતા. અને બાદમાં તેઓની ઘરવાપસી થઇ હતી.ત્યારે પહેલાની જેમ તકનો લાભ લેવા કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હોવાનું કોંગ્રેસના અંગત વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
વોર્ડ 1 ની મહિલા કોર્પોરેટરે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાવા માટે બીજેપીમાં સામેલ થયાંની ચર્ચાઓ:પ્રજા સ્વીકાર કરશે કે કેમ? તે હાલ ભવિષ્યના ગર્ભમાં
દાહોદ શહેરના વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના બેનર તળે ચૂંટાયેલી મહિલા કાઉન્સિલર માસુમાંબેન ગરબાડાવાળાની ભાજપમાં જોડાવવાની ચર્ચાઓ છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહી હતી. અને આજરોજ આખરે માસુમાબેન બીજેપીમાં જોડાઈ જતા અટકળોનો અંત આવ્યો હતો. જોકે જાણવા મળ્યા અનુસાર આ વખતે તેમના વોર્ડમાં કોંગ્રેસના બેનર તળે જીતવાની આશા ખુબ જ ધૂંધળી હોઈ અને બીજેપી પાસે આ વિસ્તારમાં વ્હોરા કોમ્યુનિટીના વોટ બેંકના સમીકરણ ને ધ્યાને રાખી વ્હોરા કોમ્યુનિટીમાંથી સક્ષમ ઉમેદવાર ના હોઈ તેમને બીજેપીમાં સામેલ કર્યા હોવાનું જાણવા મળેલ છે. તેમજ માસુમાબેનને ભાજપમાં લાવવા માટે દાહોદ શહેરના કદાવર આગેવાનો સહીત કાર્યકર્તાઓ છેલ્લા કેટલાક પ્રયાસ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.અને આજરોજ કોંગ્રેસ તેમજ આપ પાર્ટીમાંથી બીજેપીમાં આવેલા 11 આગેવાનોમાં માસુમાબેનનો પણ સમાવેશ થયો છે.જોકે તેઓને વોર્ડ નંબર 1 માંથી બીજેપીના બેનર તળે તેઓને ટિકિટ મળશે કે કેમ?અને જો ટિકિટ મળી જાય તો પુનઃ વિજય પ્રાપ્ત કરશે કે કેમ? તે હાલ ભવિષ્યના ગર્ભમાં છે. જોકે આ તમામ સંભાવનાઓની વચ્ચે વોર્ડ નંબર 1 માં ઉમેદવારોની પસંદગીને લઈને પાર્ટીમાં અંદરોઅંદર આંતર ગજગ્રાહ થવાની પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે.જોકે બીજેપી આલાકમાન મહિલા ઉમેદવારોમાં કોને ટિકિટ આપે છે.અને પ્રજા તેમનો સ્વીકાર કરે છે કે કેમ? તે જોવું રહ્યું છે.
કોંગ્રેસ તથા આપ પાર્ટીમાંથી ભાજપમાં જોડાનાર મુખ્ય આગેવાનોની યાદી
1. છત્રપતિ કાળુભાઈ મેડા વિધાનસભા 2016 ના ઉમેદવાર
2. નવલસિંહભાઈ રયલાભાઇ બારીયા તાલુકા પંચાયત સભ્ય
3. દિવ્યાંગ રાયસીંગ રાવત (વકીલ) તાલુકા કોંગ્રેસના મહામંત્રી તથા તાલુકા આઇટી સેલના પ્રમુખ
4. પાર્વતીબેન ડાંગી આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ
5. મેહુલ કુમાર કનુભાઈ નીનામા તાલુકા પંચાયત સભ્ય કારઠ-2
6.સુનિલભાઈ મનુભાઈ નીનામા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ સરપંચ રુકડી
7.ગોપાલભાઈ. પુંજાલાલ ધાનકા
8.ચંદ્રકાંતાબેન ગોપાલભાઈ ધાનકા જિલ્લા કોંગ્રેસના મુખ્ય આગેવાન
9.માસુમાબેન ગરબાડાવાલા દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના કાઉન્સિલર
10.ફૂલવંતીબેન માલ પ્રમુખ મહિલા મોરચા સંજેલી 11.હિમાંશુ બબેરિયા પૂર્વ કોંગ્રેસના ઉમેદવાર,દાહોદ