કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીના તટે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈની પ્રતિમા બનાવવાનું સ્વપ્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાકાર કર્યું. તેને નિહાળવા દેશ- વિદેશના પ્રવાસીઓ કેવડિયા ખાતે જાય છે. હવે સરકારે આ સમગ્ર વિસ્તારમાં વ્યાપારિક પ્રવૃત્તિઓનું ધીરે ધીરે ખાનગીકરણ કરવાની શરૂઆત કરતા કેટલીક એજન્સીઓ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી રહી હોવાની વિગતો બહાર આવી છે.
લોકભાગીદારીની યોજનાના બહાને ભાજપની માનીતી એજન્સીવાળાને પધરાવી દેવામાં આવ્યા પ્રોજેકટ
સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ નિહાળવાની સાથે કેવડિયામાં ઝૂ, ‘ ફલાવર વેલિ’ બોટિંગ- રાફટીંગ ‘ સી-પ્લેન’ સહિતના વિવિધના અન્ય આકર્ષણો પણ ઊભા કર્યા છે. જેમાં કેટલાક પ્રોજેકટ લોકભાગીદારીની યોજનાના બહાને ભાજપની માનીતી એજન્સીવાળાને પધરાવી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત કેવડિયામાં પ્રવાસીઓ જે વાહન લઈને ગયા હોય તે વાહનોનું પાર્કિંગ ત્રણેક કિ.મી. દૂર કરાવવામાં આવે છે. અને તેનો પાર્કિંગ ચાર્જ વસૂલાય છે અને ત્યાંથી સરદાર સરોવર નિગમની બસમાં પ્રવાસીઓને ફેરવવામાં આવે તે પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કેવડિયા ખાતે સરદારની પ્રતિમા નિહાળવા આવતાં પ્રવાસીઓ માટે ગત માર્ચ મહિના સુધી સ્થળ પરથી ટિકિટોનું વેચાણ થતું લોકડાઉન બાદ માત્ર ઓનલાઈન બુકિંગ થાય છે. તેમજ હાલમાં પાર્કિંગ તથા અન્ય કેટલાક સ્થળો માટે રોકડ રકમથી ફી લેવામાં આવે છે. કેવડિયા ખાતે માર્ચ અગાઉ સ્ટેચ્યૂ ઓફ યુનિટિમાં પ્રવેશ ફીની વસૂલાત માટે તેમજ પાર્કિંગ સહિતની અન્ય ફી લેવા માટે કેટલીક એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. અને તેઓ દ્વારા વસૂલ કરાયેલી ફીના લાખો રૂપિયા અન્ય એક એજન્સીને સોંપી તે એજન્સી રોજના લાખો રૂપિયા વડોદરાની એચ.ડી.એફ.સી. બેંકમાં જમા કરાવતી હતી.
ચારથી પાંચ કરોડનું કૌભાંડ આચર્યું
કેવડિયામાં રાજય સરકારે ફી વસૂલાત માટે જે એજન્સીઓને જવાબદારી આપી છે. તે પૈકીની કેટલીક એજન્સીના કર્મચારીઓ દ્વારા સરકાર સાથે વિશ્વાસઘાત કરી ચારથી પાંચ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળે છે.
કેટલીક એજન્સીના કર્મચારીઓ દ્વારા આખીને આખી પાવતી બુકો જ ગુમ કરી દઈ રોજની જે લાખોની આવક થતી હતી તેમાંથી રોજ ઉચાપત કરી બાકીની રકમ બેંકમાં ભરપાઈ કરતા ન હતા અને ખર્ચના બારોબાર ખોટા હિસાબો રજૂ કરી દેતાં હોવાની ‘ મોડસ ઓપરેન્ડી’ હોવાનું પણ બહાર આવ્યુ છે. આ કૌભાંડની તપાસ થાય તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ છે. એમ પણ જાણવા મળે છે. એજન્સીના સંચાલકોને આ કૌભાંડની જાણ થઈ છે. પણ તેઓ પોતાની બદનામીના ડરથી ચૂપ બેઠા હોવાનું ચર્ચાય છે.