ગોધરા, ગોધરા ખાતે રહેતા ભેજાબાજ શખ્સે પોતાનો પુત્ર ધોરણ-8માં નાપાસ હોવા છતાં ધોરણ-9નુ બોગસ સર્ટિફિકેટ બનાવી ખોટો દસ્તાવેજ બનાવી તૈયાર કરી છેતરપિંડી કરવાના ઈરાદે ખરાપણા તરીકેનો ઉપયોગ કરી છેતરપિંડી કરવાના પ્રકરણમાં ગોધરા કોર્ટે આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આરોપી દંડની રકમ ના ભરે તો વધુ છ માસની સખ્ત કેદની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો.
ગોધરા ખાતે જિલ્લા પંચાયત ટીચર સોસાયટીમાં રહેતા ચેલારામ હિરાનંદ અડવાણીએ સને-2001ના સમય દરમિયાન કોઈપણ વખતે ગોધરા ખાતે આવેલી રોટરી ઈંગ્લીશ મીડિયમ હાઈસ્કુલ પોતાનો પુત્ર ધો-8માં નાપાસ હોવા છતાં ધો-9નુ નાપાસનુ બોગસ સર્ટિ. બનાવી ખોટા દસ્તાવેજ બનાવી તૈયાર કરી છેતરપિંડી કરવાના ઈરાદે બોગસ સર્ટિમાં બનાવટી સહી-સિકકા બનાવી તેમજ સર્ટિમાં ખોટુ ડેકલેરેશન હોવા છતાં સર્ટિનો ખરાપણા તરીકેનો ઉપયોગ કરી પોતાના પુત્રને ધો-9નુ નાપાસનુ સર્ટિ વડોદરા જય અંબે વિઘાલય હાઈસ્કુલ કારેલીબાગમાં આપી પ્રવેશ મેળવી ખોટા દસ્તાવેજોના સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. આ બનાવ અંગે જે તે સમયે શહેર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ગોધરા ચીફ જયુડિ.મેજી.જે.જી.દામોદ્રાની કોર્ટમાં જે અંગેનો કેસ ચાલી જતા કોર્ટે સરકારી વકીલ વી.એલ.ડામોરની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી પિતા ચેલારામ હિરાનંદ અડવાણીને યોગ્ય પુરાવાના આધારે પાંચ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સખ્ત કેદની સજા ફટકારતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.