ધોરણ ૧૧ની વિદ્યાર્થિનીને સ્કૂલે લઈ જવાની વાત કરીને શિક્ષક પોતાના ઘરે લઈ ગયો અને દુષ્કર્મ કર્યું

સુરતમાં એક નરાધમ શિક્ષક ધોરણ 11મં ભણતી વિદ્યાર્થિનીને સ્કૂલે લઈ જવાની વાત કરીને સીધો તેના ઘરે લઈ ગયો હતો. વિદ્યાર્થિનીએ પોતાની સાથે જે થયું તે ઘરે જણાવ્યા બાદ તેના પિતાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિને સ્કૂલે મૂકવાનું કહી મોટર સાયકલ પર બેસાડી પોતાના ઘરે લઈ ગયા બાદ નરાધમ સંગીતના શિક્ષકે દુષ્કર્મ આચરવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ભોગ બનેલી સગીરાની માતા પિતાએ પૂછપરછ કરતા તેણીએ શિક્ષકની કર્તણુક વર્ણવી હતી. સગીરાની વાત સાંભળી સ્તબ્ધ થયેલા પિતાએ કતારગામ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ નરાધમ શિક્ષકને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો. જ્યાં આગળની તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે.

હેવાન શિક્ષકે પોતાની વિદ્યાર્થિની જોડે દુષ્કર્મ ગુજાર્યું છે. કતારગામ પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, કતારગામ વિસ્તારમાં રહેતા અને હીરા કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકની દીકરી ધોરણ 11માં અભ્યાસ કરે છે. સ્કૂલે જવા માટે નીકળેલી આ વિદ્યાર્થિનીનો ભેટો તેણીના જ સ્કૂલના સંગીતના શિક્ષક સંજય વણકર મકવાણા જોડે થયો હતો.

સ્કૂલે જવા નીકળેલી વિદ્યાર્થિની ને મોટરસાયકલ પર બેસાડી સ્કૂલે મૂકી જવાનું કહી નરાધમ શિક્ષક પોતાના ઘરે લઈ ગયો હતો. જે બાદ બળજબરીપૂર્વક વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યો હતો. ઘરેથી નીકળેલી વિદ્યાર્થિની સ્કૂલે પહોંચી નહોતી. જેથી પિતા સ્કૂલે તપાસ કરતા વિદ્યાર્થિની સ્કૂલે આવી ન  હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પત્નીએ કોલ કરી વિદ્યાર્થિની ઘરે આવી હોવાની જાણકારી પતિને આપી હતી. ઘરે આવેલા પિતાએ વિદ્યાર્થિની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જ્યાં વિદ્યાર્થિનીએ નરાધમ શિક્ષક દ્વારા સ્કૂલે મૂકવાનું કહી ઘરે લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજાર્યો હોવાની હકીકત જણાવી હતી. જે સાંભળી માતા-પિતાના પગ તળેથી જમીન સરકી પડી હતી.

પિતાએ આ મામલે કતારગામ પોલીસ મથકમાં નરાધમ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી વિદ્યાર્થિનીની સ્કૂલે સંગીતનો શિક્ષક છે અને વિદ્યાર્થિઓને સંગીત નું જ્ઞાન પીરસે છે. પરંતુ શિક્ષક અને એક શિષ્ય વચ્ચે રહેલા સંબંધને લાંછન લગાવતો આ કિસ્સો સુરતના કતારગામ વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ચારે તરફથી શિક્ષક વિરુદ્ધ લોકો ભારે ફિટકાર પણ વરસાવી રહ્યા છે.