ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં અમદાવાદના પિતા-પુત્રની જોડીએ મારી બાજી

અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ ૧૦નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ધોરણ ૧૦નું પરિણામ આજે એટલે કે ૨૫ મેના રોજ સવારે ૮ વાગ્યે જાહેર થયું છે. આ તરફ અમદાવાદમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.

જણાવી દઈએ કે એક પિતા અને પુત્ર બંનેએ એક સાથે ૧૦ની પરીક્ષા આપી હતી અને બંનેનું એક સાથે પરિણામ આવ્યું છે. પુત્રને ૬૯% આવ્યા તો પિતાને ૪૫%એ ૧૦માની પરીક્ષામાં ઉતીર્ણ થયા છે. અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં આવેલી ડીપી સ્કૂલમાં પટ્ટાવાળાની ફરજ નિભાવતાં વીરભદ્રસિંહ સિસોસીદા ૪૨ વર્ષના છે અને નાનપણમાં જવાબદારી સાથે કમાવાનું શીખી જતાં ભણતર છૂટી ગયું હતું.

વીરભદ્રસિંહ સિસોસીદા આ વિશે વાત કરતાં જણાવે છે કે, ’જ્યારે પુત્ર ૧૦મા ધોરણમાં આવ્યો ત્યારે દીકરાએ હિંમત આપી આ સાથે જ શાળામાંથી પણ કહ્યું કે આ શક્ય છે કે તમે પરીક્ષા આપી શકો છો. જે બાદ દીકરા એ કહ્યું ૧૦માનું ફૉર્મ ભરો હું તમને પ્રેક્ટિસ કરાવીશ અને ધીમે-ધીમે મને ફરીથી પરીક્ષા આપવાની હિંમત આવી ગઈ. મે થોડું સ્કૂલમાંથી શીખ્યું અને મારા દીકરાએ મારી મદદ કરી આ રીતે ૧૦માની પરીક્ષા પાસ કરી.’