ધોરણ ૧૦માં ધારેલું પરિણામ ન મળતા યુવકનો આપઘાત, પરિવારમાં આક્રંદ સાથે શોકનો માહોલ

ભુજ, દસમાં ધોરણનું પરિણામ જાહેર થતાં ધાર્યા ટકા ન આવતાં ભુજના જુની રાવલવાડીમાં રહેતા છાત્રએ પોતાના ઘરના ઉપરના રૂમમાં પંખા પર લટકીને આપઘાત કરી લીધો હતો. એક ના એક પુત્રના મોતાથી માતા-પિતા અને સગાસબંધીઓમાં આક્રંદ સાથે શોકનો માહોલ છવાઇ ગયો હતો. ભુજના જુની રાવલવાડી વિસ્તારમાં રહેતા હષતકુમાર  દિનેશભાઇ મહેશ્ર્વરી (ઉ.વ.૧૭) નામના દસમાં ધોરણના વિદ્યાર્થીએ પોતાના ઘરમાં સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં પંખા પર દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો.

ઘટના અંગે એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, દસ ધોરણનું પરિણામ જાહેર થવાનું હોઇ સવારે હતભાગી હષતકુમાર  પોતાના ઘરના ઉપરના રૃમમાં ઓનલાઇન પરિણામ ચેક કરતો હોઇ જેમાં તેને ૪૯ ટકા આવ્યા હોઇ ધાર્યા મુજબ ટકા ન આવતાં તે નાસીપાસ થઇ ગયો હતો. જેને કારણે મનપર લાગી આવતાં પંખા પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

બનાવની જાણ તેમના પરિવારજનોને થતાં તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસનીશે પીએસઆઇ જાડેજાએ જણાયું હતું કે, મૃતક હષત તેમના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેણે ધાર્યું પરિણામ ન આવવાના કારણે આત્માઘાતી પગલું ભરી લીધું હતું.