અમદાવાદ, હવે વેકેશનનો સમય આવ્યો છે. એટલે ગુજરાતનું સૌથી આકર્ષક ટુરિઝમ સ્પોટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની મોટી ભીડ જોવા મળશે. દેશવિદેશથી ટુરિસ્ટ્સ વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમા જોવા આવી રહ્યાં છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળ દ્વારા ટિકિટમાં વિશેષ રાહતની જાહેરાત કરવામા આવી છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી સત્તામંડળે શૈક્ષણિક પ્રવાસ માટે ૫૦ ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે.
શૈક્ષણિક પ્રવાસ ગ્રુપને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટમાં રાહત મળશે. શૈક્ષણિક પ્રવાસ માટે ૫૦ ટકા રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. નવા વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા વધારવા એસઓયુ ઓથોરિટીએ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓના ગ્રુપ, સરકારી-અર્ધ સરકારી જૂથને પણ રાહતનો લાભ મળશે. રાહતનો લાભ મેળવવા માંગતા લોકોએ ઓળખકાર્ડ સાથે રાખવાના રહેશે. ટિકિટમાં રાહત મેળવવા જૂથમાં ઓછામાં ઓછા ૧૫ લોકો જરૂરી, ૧૫થી ઓછા લોકો હશે તો સંલગ્ન ઓથોરિટી એ સમયે નિર્ણય લેશે. નિર્ણય મુજબ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એક્તા વન, ગ્લો ગાર્ડન સહિતના આકર્ષણોની ટિકિટમાં રાહત મળશે.
આ અંગે જારી પરિપત્ર અનુસાર (૧) તમામ શાળા અને કૉલેજ (સરકારી અને ખાનગી બંને) દ્વારા શૈક્ષણિક પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો, (૨) તમામ દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ કલ્યાણ સાથે સંકળાયેલી સંસ્થાઓના પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો તથા (૩) તમામ સરકારી અને અર્ધસરકારી તાલીમ સંસ્થાઓ / કેન્દ્રોના શૈક્ષણિક તાલીમ પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો -ને સ્ટેચ્યુ ઑફ યુનિટી તથા વેલી ઑફ લાવર સોસાયટી દ્વારા સંચાલિત આકર્ષણો વગેરેની મુલાકાત માટે ટિકિટમાં ૫૦ ટકાની રાહત મળશે. આ રાહતનો લાભ જે તે શાળા – કૉલેજ – સંસ્થાના ગ્રુપની સાથે આવતા સ્ટાફના સભ્યોને પણ મળશે.