આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ એસસી એસટી અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ૨૧મી ઓગસ્ટ એટલે કે આવતીકાલે ભારત બંધની જાહેરાત કરી છે. અનેક દલિત સંગઠનોએ પણ ભારતને સમર્થન આપ્યું હતું. આ સિવાય બસપાએ પણ ભારત બંધને સમર્થન આપ્યું છે. કોઈપણ તણાવને ટાળવા માટે, પોલીસને તમામ જિલ્લામાં તૈનાત વધારવા માટે કહેવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને એસસી એસટી અનામતમાં ક્રીમી લેયર બનાવવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે જેને ખરેખર જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિક્તા મળવી જોઈએ. આ નિર્ણયે વ્યાપક ચર્ચા જગાવી છે. ભારત બંધનું એલાન આપનાર સંગઠનોએ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે. બંધ દરમિયાન હિંસા થવાની સંભાવનાને યાનમાં રાખીને, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તમામ વિભાગીય કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ માટે જરૂરી માર્ગદશકા જારી કરી છે. પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશને ખાસ કરીને સંવેદનશીલ માનવામાં આવે છે, જેના કારણે ત્યાંની પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા સત્તાવાળાઓ વ્યાપક પગલાં લઈ રહ્યા છે.
ભારત બંધ દરમિયાન શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, ભારત બંધ દરમિયાન જાહેર પરિવહન સેવાઓને અસર થવાની આશંકા છે. કેટલીક જગ્યાએ ખાનગી ઓફિસો બંધ રહે તેવી શકયતા છે.
ભારત બંધ દરમિયાન હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહેશે. બેંક ઓફિસ અને સરકારી ઓફિસો બંધ રાખવા અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ આદેશ આવ્યો નથી. તેથી, એવું માનવામાં આવે છે કે બુધવારે બેંકો અને સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે.