સિક્કિમ, સિક્કિમમાં અચાનક આવેલા પૂરથી રાજ્યમાં ભારે તારાજી સર્જાઈ છે. આ પૂરના કારણે ઘણા લોકોના મોત થયા છે અને ઘણા લોકો હજુ પણ લાપતા છે. મળતી માહિતી મુજબ, પૂર બાદ કાંપ અને કાટમાળમાંથી અત્યાર સુધીમાં ૧૦ સેનાના જવાનો સહિત ૩૪ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ લાપતા ૧૦૫થી વધુ લોકોની શોધખોળ ચાલુ છે. વાયુસેનાએ હિમાલયના રાજ્ય સિક્કિમમાં બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે અને ફસાયેલા પ્રવાસીઓની પ્રથમ બેચને લાચેનથી ઉત્તર સિક્કિમના મંગન સુધી એરલિફ્ટ કરી છે. મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગે મુખ્ય સચિવ વીબી પાઠક, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને સશસ્ત્ર દળો સાથે સંકલિત રાહત અને બચાવ કામગીરી માટે ગંગટોક પહોંચેલા અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
સિક્કિમમાં નોંધાયેલા ૩૪ મૃત્યુ ઉપરાંત, નજીકના ઉત્તર પશ્ર્ચિમ બંગાળમાં જલપાઈગુડી જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ૪૦ મૃતદેહો નીચલા તિસ્તા નદીમાંથી ખેંચવામાં આવ્યા છે. જો કે, અધિકારીઓએ ચેતવણી આપી હતી કે બે રાજ્યો દ્વારા નોંધાયેલા આંકડાઓમાં કેટલીક ડુપ્લિકેશન હોઈ શકે છે. સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં સૌથી વધુ ૨૨ લોકોના મોત થયા છે, જેમાં સેનાના ૧૦ જવાનોનો સમાવેશ થાય છે. આ પછી ગંગટોકમાં છ, મંગનમાં ચાર અને નામચીમાં બે લોકોના મોત થયા છે. મંગન જિલ્લાના લોનાક તળાવ પર વાદળ ફાટ્યાના છ દિવસ બાદ કુલ ૧૦૫ લોકો ગુમ છે. વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું, હિમાલયન રાજ્યના ચાર જિલ્લાઓમાં નદીના તટપ્રદેશમાં અનેક નગરો ડૂબી ગયા.
સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના બુલેટિન અનુસાર, ગુમ થયેલાઓમાં ૬૩ પાક્યોંગના, ૨૦ ગંગટોકના, ૧૬ મંગનથી અને છ નામચીના છે. કચ્છ અને પાકુ એમ ૩,૪૩૨ મકાનોને નુક્સાન થયું છે. કુલ ૫,૩૨૭ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં રોડ કનેક્ટિવિટીને અસર કરતા કુલ ૧૪ પુલ કાં તો ધોવાઈ ગયા હતા અથવા ડૂબી ગયા હતા. પૂરના કારણે કુલ ૬,૫૦૫ લોકો બેઘર બન્યા છે અને ચાર જિલ્લાઓમાં ૨૬ રાહત શિબિરોમાં આશ્રય લીધો છે. અચાનક પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા ૮૫,૮૭૦ હતી. દરમિયાન, મુખ્ય પ્રધાન તમંગે તેમના સત્તાવાર નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી જ્યાં તેમણે મુખ્ય સચિવ વીબી પાઠક, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને અન્ય અધિકારીઓ સાથે ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે સંરક્ષણ દળો સાથે સંકલનમાં ફસાયેલા લોકોને ઝડપથી બચાવવાનાં પગલાં અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજાઈ હતી. ભારતીય વાયુસેનાએ સિક્કિમમાં માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી શરૂ કરી છે અને ફસાયેલા પ્રવાસીઓના પ્રથમ બેચને હેલિકોપ્ટર દ્વારા લાચેનથી મંગન સુધી બહાર કાઢ્યા છે, એમ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું. તેણે કટોકટી સેવા કર્મચારીઓ અને આવશ્યક પુરવઠો પણ લાચેનમાં પહોંચાડ્યો. પ્રથમ બેચમાં કુલ કેટલા પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા તે તાત્કાલિક જાણી શકાયું નથી, પરંતુ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા એમઆઇ-૧૭ હેલિકોપ્ટરમાં ૨૫-૩૦ લોકોને લઈ જવાની ક્ષમતા છે. સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, એરફોર્સ ડે પર, એરફોર્સે સિક્કિમના પૂર પીડિતો માટે એરફોર્સ બેઝ બાગડોગરાથી માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી શરૂ કરી હતી.
તેમણે કહ્યું કે એરફોર્સે રવિવારથી ચિનૂક અને એમઆઇ ૧૭ વી ૫ હેલિકોપ્ટર દ્વારા ગરુડ કમાન્ડો, સંદેશાવ્યવહાર સાધનો, બળતણ, દવાઓ, શોધ અને બચાવ સાધનો રાજ્યમાં પહોંચાડવાનું શરૂ કર્યું છે. અધિકારીએ કહ્યું કે ઈસ્ટર્ન એર કમાન્ડ માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત કામગીરીનું સંકલન કરી રહી છે. તેમણે કહ્યું કે વાયુસેના પૂરના પીડિતો સુધી પહોંચવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, જેણે નાના હિમાલયન રાજ્યને તબાહ કર્યું છે. હવામાનની સ્થિતિમાં સુધારો થતાં જ ફસાયેલા પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે હેલિકોપ્ટર તૈયાર રાખવામાં આવ્યા છે, સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.
હવામાન વિભાગે સોમવારે આગામી પાંચ દિવસમાં ઉપ-હિમાલયન પશ્ર્ચિમ બંગાળ અને સિક્કિમમાં ઘણાં સ્થળોએ ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મયમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન, પશ્ર્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લા વહીવટીતંત્રે કહ્યું છે કે તેઓએ તિસ્તા નદીમાંથી અત્યાર સુધીમાં ૪૦ મૃતદેહો બહાર કાઢ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ૧૦ મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને રાજ્યોમાં તિસ્તા દ્વારા છોડવામાં આવેલા કાંપ અને કાટમાળમાંથી હજુ પણ મૃતદેહો મળી રહ્યા છે, તેથી વિગતવાર માહિતી એકત્ર કર્યા પછી મૃત્યુની કુલ સંખ્યા આગામી થોડા દિવસોમાં સ્પષ્ટ થશે.