ઈસ્લામાબાદ,પાકિસ્તાનના કેરટેકર વડાપ્રધાન અનવાર ઉલ હક કાકડે ગુરુવારે કેબિનેટની જાહેરાત કરી હતી. ત્યાર પછી ૧૬ મંત્રી અને ત્રણ સલાહકારને શપથ લેવડાવાયા હતા. આ ત્રણ સલાહકારમાં કાશ્મીરના આતંકી યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિક પણ સામેલ છે. મુશાલ હુસૈનને સ્પેશિયલ એડવાઈઝર ટુ પ્રાઈમ મિનિસ્ટર બનાવાઈ છે. મુશાલ હુસૈન મૂળ પાકિસ્તાનના છે. પાકિસ્તાનના બંધારણ પ્રમાણે પાકિસ્તાનમાં બેવડું નાગરિકત્વ ધરાવતી વ્યક્તિ વડાપ્રધાનની સલાહકાર બની શકે છે, પરંતુ તેઓ ફૂલ ટાઈમ મંત્રી બનવાને લાયક નથી ઠરતા.
મુશાલ હુસૈન પાકિસ્તાન અને બ્રિટનનું નાગરિકત્વ ધરાવે છે. તેઓ પાકિસ્તાનમાં બેસીને ભારત વિરોધી નિવેદન કરવા જાણીતા છે. હાલમાં જ આવેલી ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ’ મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘કાશ્મીર સંપૂર્ણપણે પાકિસ્તાનનો હિસ્સો છે અને અમે તે લઈને રહીશું.’ આ ઉપરાંત તે પાકિસ્તાનમાં બેસીને આતંકી પતિ યાસીન મલિકની મુક્તિનું અભિયાન પણ ચલાવે છે.