નવીદિલ્હી, અખિલેશ યાદવે આગામી લોક્સભા ચૂંટણી માટે ગાઝીપુરથી અફઝલ અંસારીને ઉમેદવાર બનાવ્યા છે . સપા તરફથી ટિકિટ મળ્યા બાદ ગાઝીપુરથી પાર્ટીના ઉમેદવાર અફઝલે ભાજપ પર નિશાન સાધ્યું અને ચૂંટણીમાં જીતનો દાવો કર્યો. અફઝલ અંસારીએ કહ્યું, “મને સરકારી તંત્ર દ્વારા લૂંટવામાં આવ્યો છે. આ વખતે હું મારા દાદાની જમીન વેચીને ચૂંટણી લડીશ અને જીતીશ.
રામ મંદિરના નિર્માણથી ભાજપને ફાયદો થવાના સવાલ પર તેમણે કહ્યું કે રામ મંદિર આસ્થાનું પ્રતિક છે અને રામને લઈને કોઈને કોઈ વિવાદ નથી. આવી સ્થિતિમાં ભાજપને તેનો કોઈ ફાયદો થવાનો નથી. અફઝલ અંસારીએ ૨૦૧૯માં બહુજન સમાજ પાર્ટી ની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને મોદી લહેર હોવા છતાં જીતી હતી. તેમણે ભાજપના નેતા મનોજ સિંહાને હરાવ્યા હતા. જો કે, ૨૦૨૩ માં સભ્યપદ ખોવાઈ ગયું હતું, જે પછીથી સુપ્રીમ કોર્ટ દ્વારા પુન:સ્થાપિત કરવામાં આવ્યું હતું.
અફઝલ અંસારીને સાંસદ-ધારાસભ્ય કોર્ટે ગેંગસ્ટર એક્ટ હેઠળ ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી. અફઝલ પર ૨૦૦૫માં ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે. આ સિવાય કોર્ટે આ જ કેસમાં તેના ભાઈ મુખ્તાર અંસારીને પણ ૧૦ વર્ષની સજાની જાહેરાત કરી હતી. હાલ તે જામીન પર જેલની બહાર છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર અંસારી ૫ વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. ૨૦૦૪માં પણ તેઓ ચૂંટણી જીતીને લોક્સભા પહોંચ્યા હતા. તાજેતરમાં જ તેઓ બસપા છોડીને સપામાં જોડાયા હતા.