મુંબઇ, સલમાન ખાન અને નિર્માતા સાજિદ નડિયાદવાલા ૧૦ વર્ષ પછી સાથે કામ કરી રહ્યા છે. ૨૦૧૪માં સાજિદે સલમાન સાથે ’કિક’ બનાવી હતી. હવે આ લોકો એક મોટા બજેટની એક્શન થ્રિલર ફિલ્મમાં સાથે આવ્યા છે.એ આર મુરુગાદોસ આ ફિલ્મનું નિર્દેશન કરશે. ફિલ્મનું બજેટ ૪૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જે તેને સલમાન, સાજિદ અને મુરુગાદોસની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ બનાવે છે.
સૂત્રોના એક અહેવાલ અનુસાર, સૂત્રએ કહ્યું, ’સલમાન ખાન અને સાજિદ સાથે કામ કરી રહ્યા છે. જ્યારે સાજિદ અને મુરુગાદોસ આ ફિલ્મના વિષય પર વાત કરી રહ્યા હતા ત્યારે બંનેના મગજમાં પહેલું નામ સલમાન ખાનનું હતું. જ્યારે સાજિદે આ અંગે સલમાન સાથે વાત કરી તો તેણે તરત જ ફિલ્મ માટે હા પાડી દીધી. આ ફિલ્મનું શૂટિંગ પોર્ટુગલ અને કેટલાક યુરોપિયન દેશોમાં થશે. ફિલ્મનું બજેટ ૪૦૦ કરોડ રૂપિયા હશે. આ ફિલ્મ સાજિદનો સ્પેશિયલ પ્રોજેક્ટ છે. આ વર્ષની શરૂઆતમાં આ ફિલ્મને લઈને બેઠકો યોજાઈ હતી. ટૂંક સમયમાં શૂટ કરવામાં આવશે. ગયા વર્ષે સલમાન પાસે જે પણ સ્ક્રિપ્ટ આવી હતી તેમાંથી તેને મુરુગાદોસ સાથેની સ્ક્રિપ્ટ સૌથી રોમાંચક લાગી હતી. તેથી, તેણે આ ફિલ્મને પ્રાથમિક્તાના આધારે શૂટ કરવાની યોજના બનાવી છે.’
આ જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઉનાળામાં શરૂ થવાનું છે. તેનું શૂટિંગ ૨૦૨૪ના અંત સુધીમાં પૂર્ણ થશે. આ અનામી એક્શન થ્રિલર ફિલ્મનું શૂટિંગ પોર્ટુગલ સહિત વિવિધ યુરોપિયન દેશોમાં કરવામાં આવશે. તેને ઈદ ૨૦૨૫ પર રિલીઝ કરવાનું આયોજન ચાલી રહ્યું છે.
મુરુગદોસે ૨૦૦૬માં સલમાનને ’ગજની’ ઓફર કરી હતી. પરંતુ તે પછી સલમાન તે ફિલ્મ કરી શક્યો ન હતો. આમિર ખાન અભિનીત ’ગજની’ દેશમાંથી ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરનાર પ્રથમ હિન્દી સિનેમા ફિલ્મ બની હતી. તે પછી મુરુગાદોસે હિન્દીમાં ’હોલિડે’ અને ’અકીરા’ જેવી ફિલ્મો બનાવી. થલપથી વિજયની કારકિર્દી સેટ કરવાનો શ્રેય પણ મુરુગાદોસને જાય છે. તેણે વિજય સાથે ’કથ્થી’ અને ’સરકાર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી. તે પહેલીવાર સલમાન ખાન સાથે કામ કરવા જઈ રહ્યો છે.
સલમાન ખાન ’ધ બુલ’ નામની ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો હતો. પરંતુ ભારત-માલદીવના સંબંધોમાં તણાવને કારણે તે ફિલ્મનું કામ રોકી દેવામાં આવ્યું છે. એવા અહેવાલો છે કે, ફિલ્મની સ્ક્રિપ્ટ પર વધુ કામ કરવામાં આવી રહ્યું છે. આથી ફિલ્મનું શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન સલમાન અને મુરુગાદોસની ફિલ્મના સમાચાર આવ્યા. ત્યાર પછી એવું કહેવામાં આવ્યું કે ’ધ બુલ’ને છાવરવામાં આવી હતી. પરંતુ આવું થવાની શક્યતા ઓછી છે.