નવીદિલ્હી,સાઉથ દિલ્હીના પુષ્પ વિહારમાં અમૃતા પબ્લિક સ્કૂલમાં મંગળવારે સવારે ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. આ પછી તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ શાળાએ પહોંચી અને બોમ્બ શોધવા માટે તમામ બાળકોને શાળાની બહાર લઈ જવામાં આવ્યા. આ દરમિયાન બાળકોના વાલીઓ પણ તેમને લેવા માટે શાળાએ પહોંચ્યા હતા. જો કે બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ દરમિયાન કોઈ બોમ્બ કે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.
બે મહિનામાં દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકીનો આ ત્રીજો મામલો છે. આ પહેલા ૧૨ મેના રોજ દિલ્હીના સાદિક નગરમાં આવેલી ઈન્ડિયન પબ્લિક સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. આ પછી ૨૫ એપ્રિલે દિલ્હી-મથુરા રોડ પર સ્થિત ડીપીએસ સ્કૂલમાં બોમ્બની ધમકી મળી હતી. આ ધમકી શાળાના ઈમેલ પર પણ આવી હતી. બંને કેસમાં તપાસમાં બોમ્બ ક્યાંય મળ્યો ન હતો.
સાઉથ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ચંદન ચૌધરીએ જણાવ્યું કે બોમ્બની ધમકીનો મેલ સવારે ૬:૩૩ વાગ્યે મળ્યો હતો. આ પછી મેનેજમેન્ટે પોલીસને જાણ કરી અને પોલીસ બોમ્બ સ્ક્વોડને સ્કૂલમાં લાવી. ટુકડીએ આખી શાળાની તપાસ કરી, પરંતુ કંઈ મળ્યું નહીં.
શાળાની એક શિક્ષિકાએ જણાવ્યું કે તે સવારે ૮ વાગ્યે એક એસેમ્બલી કરી રહી હતી ત્યારે બધા જ શિક્ષકોને તમામ પ્રવૃત્તિઓ બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓને સલામત રીતે શાળાની બિલ્ડીંગમાંથી બહાર કાઢવાની સૂચના આપી હતી. વિદ્યાર્થીઓના વાલીઓને વોટ્સએપ દ્વારા સંદેશ મોકલવામાં આવ્યો હતો કે તેઓ તેમના બાળકોને જલ્દીથી લેવા માટે આવે. વાલીઓ આવતાની સાથે જ વિદ્યાર્થીઓને તેમની સાથે ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
માતા-પિતાએ કહ્યું કે તેમને મેસેજમાં બોમ્બની કોઈ ધમકી વિશે જણાવવામાં આવ્યું નથી. શાળાએ પહોંચ્યા પછી જ તેમને જાણ કરવામાં આવી હતી કે બોમ્બની ધમકી ધરાવતો ઈમેલ મળ્યો છે. તેમણે કહ્યું કે અમારા બાળકો સુરક્ષિત છે, પરંતુ સવાલ એ છે કે આવા મેલ કોણ મોકલી રહ્યું છે. આ અંગે તપાસમાં કંઈ મળ્યું નથી, પરંતુ ભવિષ્યમાં અમારા બાળકો પણ સુરક્ષિત રહેશે તેની શું ગેરંટી છે.
એક મહિલાએ જણાવ્યું કે તેની મોટી દીકરી ઈન્ડિયન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે, જેને છેલ્લા કેટલાક દિવસોમાં બે બોમ્બ પ્લાન્ટ થવાની માહિતી મળી છે. તેમણે કહ્યું કે આટલા દિવસો થઈ ગયા છે, પરંતુ હજુ સુધી શાળા પ્રશાસન અને પોલીસને ખબર નથી પડી કે આ પાછળ કોણ છે. ૧૨ મે ઉપરાંત ગયા વર્ષે નવેમ્બરમાં પણ ઈન્ડિયન પબ્લિક સ્કૂલમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની હોક્સ કોલ આવી હતી.