જોહાનિસબર્ગ,
સાઉથ આફ્રિકાના કેપ રાજ્યમાં એક બર્થ ડે પાર્ટીમાં ગોળીબાર થયો. આ ઘટનામાં ૮ લોકોના મોત થઈ ગયાં અને ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયાં. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટના રવિવાર સાંજે ૫.૧૫ થી ૫.૩૦ના સમયગાળા દરમિયાન બની છે. બે હુમલાખોર એક ઘરમાં ઘૂસ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. ઘટના પછી હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયાં. અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ હુમલાખોરની શોધમાં છે. અત્યાર સુધી આ હુમલા કરવા પાછળનું કારણ પણ સામે આવ્યું નથી.
પોલીસે કહ્યું- ઘરનો માલિક પોતાનો જન્મદિવસ ઊજવી રહ્યો હતો. અનેક ગેસ્ટ પણ આવ્યાં હતાં. ત્યારે જ બે હુમલાખોર આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. આ હુમલામાં જન્મદિવસ ઊજવી રહેલાં ઘરના માલિક સહિત ૮ લોકો મૃત્યુ પામ્યા છે.સાઉથ આફ્રિકામાં મર્ડર રેટ ખૂબ જ વધારે છે. તેને મર્ડરનું ગ્લોબલ સેન્ટર પણ કહેવામાં આવે છે.
ગયા વર્ષે ૧૦ જુલાઈના રોજ થોડાં કલાકના સમયગાળામાં થયેલી ફાયરિંગની બે ઘટનાઓમાં ૧૯ લોકો માર્યા ગયાં. પિસ્તોલ અને રાઇફલથી હુમલાખોરોએ સોવેટો ટાઉનશિપમાં હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ૯ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયાં હતાં.તેના થોડાં કલાકો પહેલાં જ પીટરમૈરિટ્સબર્ગમાં ગોળીબાર થયો હતો. જેમાં ૪ લોકો માર્યા ગયા હતાં અને ૮ લોકો ઘાયલ થઈ ગયાં.
સાઉથ આફ્રિકામાં દર વર્ષે ૨૦ હજાર લોકોની હત્યા થઈ જાય છે. ગન ફ્રી સાઉથ આફ્રિકા કેમ્પિન ગ્રુપના જણાવ્યા પ્રમાણે, દેશમાં ૩૦ લાખ રજિસ્ટર્ડ બંદૂકો છે. ગેરકાયદેસર હથિયારોની સંખ્યા તેનાથી અનેકગણી વધારે છે.