દુબઈ, સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને યુએઈ સરકાર તરફથી ગોલ્ડન વિઝા મળ્યા છે. અભિનેતાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ તેમને મળેલા સન્માન માટે સરકારનો આભાર માની રહ્યા છે. રજનીકાંતને યુએઈ ના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ તરફથી ગોલ્ડન વિઝા મળ્યા છે. તેઓ તાજેતરમાં અબુ ધાબી ગયા હતા, જેમાં તેમને આ સન્માન મળ્યું છે. તેમણે આ સન્માન માટે સરકાર અને લુલુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમએ યુસુફ અલીનો આભાર માન્યો છે. અભિનેતાએ ખુશી વ્યક્ત કરતા યુએઈ સરકારનો આભાર વ્યક્ત કર્યો.
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પોતાના એક્સ હેન્ડલ પર રજનીકાંતને વિઝા મળ્યાની તસવીર શેર કરતા લખ્યું, ’યુએઈ કલ્ચર એન્ડ ટુરિઝમ ડિપાર્ટમેન્ટે સુપરસ્ટારને ગોલ્ડન વિઝા આપ્યા છે.’ રજનીકાંતે પણ મીડિયા સાથે એક વીડિયો શેર કર્યો, જેમાં તેમણે કહ્યું, ’અબુ ધાબી સરકાર તરફથી પ્રતિષ્ઠિત યુએઈ ગોલ્ડન વિઝા પ્રાપ્ત કરીને હું ખૂબ જ સન્માનિત અનુભવી રહ્યો છું. અબુ ધાબી સરકાર અને મારા સારા મિત્ર યુસુફ અલી, લુલુ ગ્રુપના સીએમડીનો આ વિઝા અને દરેક પ્રકારના સહયોગ માટે હું આભાર માનું છું.’
અબુ ધાબી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય અને અબુ ધાબી સરકારના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ (ડીસીટી)ના અયક્ષ મોહમ્મદ ખલીફા અલ મુબારકે યુસેફની હાજરીમાં રજનીકાંતને ગોલ્ડન વિઝા સોંપ્યા. અભિનેતા યુસુફના ઘરે પણ ગયા હતા. ત્યાં તેમણે રોલ્સ રોયસ પણ ચલાવી હતી, જેનો વીડિયો અને ફોટો પણ વાયરલ થયા હતા.ગોલ્ડન વિઝાની સૌથી મોટી ખાસિયત એ છે કે આ વિઝા સાથે ક્યારેય પણ દુબઈ જઈ શકાય છે. યુએઈ સરકારના ગોલ્ડન વિઝા દરેકને નથી મળતા. આ માત્ર કેટલાક પસંદગીના ખાસ લોકોને જ મળે છે. જે ક્યારેય પણ કોઈ પણ સમયે દુબઈ આવી-જઈ શકે છે. ગોલ્ડન વિઝા લગભગ ૫થી ૧૦ વર્ષ માટે આપી શકાય છે.
ભારતમાં ઘણા સેલિબ્રિટી પાસે ગોલ્ડન વિઝા છે, જેમાં શાહરૂખ ખાન, સંજય દત્ત, કૃતિ સેનન, રણવીર સિંહ, કમલ હસન, સુનીલ શેટ્ટી સામેલ છે. વિઝા મળ્યા બાદ રજનીકાંતે યુએઈ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે અને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ પોસ્ટ શેર કરીને આની જાણકારી આપી છે.
રજનીકાંતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ઓક્ટોબરમાં રિલીઝ થનારી ’વેટ્ટૈયાં’માં જોવા મળશે. તેના સિવાય અમિતાભ બચ્ચન, ફહદ ફૈસિલ અને રાણા દગ્ગુબાતી તેમાં જોવા મળશે. આ સિવાય અભિનેતા લોકેશ કનાગરાજની ’કુલી’નો પણ ભાગ હશે. તેની જાહેરાત ટીઝર દ્વારા કરવામાં આવી હતી પરંતુ તેના સંગીત પર કોપીરાઈટ સમસ્યા છે. અનિરુદ્ધ રવિચંદરે કમ્પોઝ કરેલા ગીતોને કારણે નિર્માતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇલૈયારાજાએ પરવાનગી વિના તેના એક જૂના ગીતનો ઉપયોગ કરવા બદલ નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલી હતી.