
સાઉદી અરેબિયામાં આકરી ગરમી હજ યાત્રીઓ માટે પડકારરૂપ સાબિત થઈ રહી છે. હવામાન શાસ્ત્રી ઓની ચેતવણી સાચી સાબિત થઈ છે. હજ દરમિયાન ગરમીનો પારો ૪૭ ડિગ્રીની ઉપર પહોંચી ગયો છે. તેનાથી ખાસ કરીને વૃદ્ધોની મુશ્કેલીઓ વધી છે. મક્કામાં ભારે ગરમીના કારણે ૬ લોકોના મોત થયા છે. આમ છતાં ઈદ-ઉલ-અઝહાના તહેવારને કારણે સાઉદી અરેબિયામાં મોટી સંખ્યામાં હજયાત્રીઓ એકત્ર થઈ રહ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ચાલુ હજ યાત્રા દરમિયાન જોર્ડનના ૧૪ લોકોના મોત થયા છે અને અન્ય ૧૭ લોકો ગુમ છે. જોર્ડનના વિદેશ મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં આ માહિતી આપી છે. અગાઉ, જોર્ડનના વિદેશ મંત્રાલય અને વિદેશી બાબતોના મંત્રાલયે અગાઉ માઉન્ટ અરાફાત પર હીટ સ્ટ્રોકના કારણે છ જોર્ડનના નાગરિકોના મૃત્યુની પુષ્ટિ કરી હતી. જો કે, અન્ય કેટલાક સ્થાનિક સ્ત્રોતોએ વધુ સંખ્યાની જાણ કરી છે, જે મુજબ ૧૭ યાત્રાળુઓ મૃત્યુ પામ્યા છે અને તેમના નામ પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે.
હવામાન શાસ્ત્રી ઓએ ચેતવણી આપી હતી કે આ વખતે હજ યાત્રા સૌથી ગરમ મહિનામાં થઈ રહી છે અને આવી સ્થિતિમાં લાખો હજયાત્રીઓને હીટસ્ટ્રોકનું જોખમ છે. વૃદ્ધ યાત્રાળુઓ અને ક્રોનિક રોગોથી પીડિત લોકો સૌથી વધુ જોખમમાં છે. આ મહિને લાખો મુસ્લિમો હજ કરવા જઈ રહ્યા છે, પરંતુ મક્કામાં કાળઝાળ ગરમીને કારણે હજયાત્રીઓમાં ગરમીને લગતી બીમારીઓનો ભય વધી ગયો છે.
દુનિયાભરમાંથી ૨૦ લાખથી વધુ મુસ્લિમો અહીં હજ માટે આવે છે. આ વર્ષે વાષક હજ યાત્રા ૧૪ જૂનથી ૧૯ જૂન વચ્ચે છ દિવસ સુધી ચાલવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન મક્કામાં તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. આ યાત્રાળુઓ, ખાસ કરીને વૃદ્ધો અને પહેલેથી જ વિવિધ રોગોથી પીડાતા લોકોના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે