સોશિયલ મીડિયા પર હથિયાર સાથે વીડિયો વાઇરલ:ગોધરાના યુવક સામે પોલીસે નોંધી ફરિયાદ; બે વર્ષ જૂનો વીડિયો ફરી વાઇરલ થયો

ગોધરામાં સોશિયલ મીડિયા પર ધારદાર હથિયાર સાથે વીડિયો વાઇરલ થવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. વાઇરલ થયેલા વીડિયોમાં એક યુવક હાથમાં અને મોઢામાં ધારદાર છરો લઈને અન્ય લોકો સાથે જાહેર રસ્તા પર રીલ બનાવતો જોવા મળ્યો હતો.

તપાસમાં આરોપીની ઓળખ જાકિર અહેમદ તરીકે થઈ છે, જે વાલી ફળિયા નંબર 2, ગોધરાનો રહેવાસી છે. આ વીડિયો બે વર્ષ જૂનો છે, જે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ‘j.j.is.back’ પર અપલોડ કર્યો હતો. તે સમયે પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પંચમહાલ રેન્જના IGP આર.વી.અસારી અને SP હિમાંશુ સોલંકીએ જિલ્લામાં ખુલ્લેઆમ હથિયાર સાથે ફરતા લોકો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આરોપી સામે ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ અન્ય વાઇરલ વીડિયો માટે ગુનો નોંધાયેલો છે.પોલીસે યુવાનોને સોશિયલ મીડિયા પર કોઈપણ સામગ્રી અપલોડ કરતા પહેલા તેની કાયદેસરતા ચકાસવાની સલાહ આપી છે. સાથે જ, પ્રાઇવેસી સેટિંગ્સનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું છે, જેથી અન્ય લોકો વીડિયો ડાઉનલોડ ન કરી શકે.