સોરેને હાઈકોર્ટના આદેશ સામેની અરજી પાછી ખેંચી, બજેટ સત્રમાં હાજરી આપવાની પરવાનગી માંગી હતી

રાંચી, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રીએ વિધાનસભામાં બજેટ સત્રમાં હાજરી આપવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે તેમને બજેટ સત્રમાં ભાગ લેવાની મંજૂરી આપી ન હતી, ત્યારબાદ તેમણે કોર્ટના આ નિર્ણયને પડકાર્યો હતો. જોકે, હવે સોરેને સુપ્રીમ કોર્ટમાંથી હાઈકોર્ટને પડકારતી અરજી પાછી ખેંચી લીધી છે.

હેમંત સોરેને હાઈકોર્ટમાં ૨૩ ફેબ્રુઆરીથી ૨ માર્ચ સુધીના બજેટ સત્રમાં ભાગ લેવાની પરવાનગી માંગી હતી. ૨૮ ફેબ્રુઆરીએ હાઈકોર્ટે સોરેનની અરજી ફગાવી દીધી હતી. સોમવારે, જ્યારે તેમની અરજી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ કે.વી. વિશ્ર્વનાથનની બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવી ત્યારે સોરેન વતી વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં હાજર થયા. કપિલ સિબ્બલે કહ્યું કે તેમને (સોરેન)ને તેમની અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવી જોઈએ, કારણ કે બજેટ સત્ર ૨ માર્ચે સમાપ્ત થયું હતું.

સિબ્બલે કહ્યું, હું તેને પાછું ખેંચવા માંગુ છું. કોર્ટમાં ઉઠાવવામાં આવેલા કાયદાના પ્રશ્ર્નને ખુલ્લો રાખી શકાય છે. સુપ્રીમ કોર્ટે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે કાયદાનો પ્રશ્ર્ન ખુલ્લો છોડી દેવામાં આવ્યો છે.

ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ૩૧ જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. રાંચીની વિશેષ અદાલતે ૨૨ ફેબ્રુઆરીએ સોરેનને વિધાનસભા સત્રમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. જો કે, આ પહેલા ૫ ફેબ્રુઆરીએ હાઈકોર્ટે સોરેનને વિધાનસભામાં વિશ્ર્વાસ મતમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી. સોરેન સામે મની લોન્ડરિંગના આરોપો ગેરકાયદેસર રીતે રિયલ એસ્ટેટની માલિકી અને લેન્ડ માફિયા સાથે કથિત સંબંધો સાથે સંબંધિત છે.