મુંબઇ,
બોલિવૂડ એક્ટર સોનુ સૂદ એક મહાન અભિનેતા હોવાની સાથે સાથે એક અદ્ભુત વ્યક્તિ પણ છે. જે રીતે તે લોકોની વચ્ચે જાય છે અને તેમની સમસ્યાઓને સમજવાની કોશિશ કરે છે, ભાગ્યે જ કોઈ અન્ય સ્ટાર આવું કરશે. કોરોના દરમિયાન સોનુ સૂદ બધાની સામે મસીહાની જેમ ઉભરી આવ્યો. અભિનેતાને દુનિયાભરમાંથી આશીર્વાદ અને પ્રેમ પણ મળ્યો હતો. આજના સમયમાં તેના ફેન્સ અભિનેતાને ભગવાન સમાન માને છે. સોનુ સૂદ પાસેથી કોઈ શીખે કે ખુલ્લા દિલથી મદદ કરવાનો અર્થ શું છે.
સોનુ સૂદ હાલમાં ચર્ચામાં રહે છે આ વચ્ચે તેનો એક જુનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જુનો છે. આ વીડિયો સોનુ સુદે ડિસેમ્બર ૨૦૨૨માં શેર કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સોનુ સૂદ ચાલતી ટ્રેનમાં દરવાજા પાસે બેસેલો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં અભિનેતા ખુબ એન્જોય કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને જોયા બાદ અભિનેતાને આ લાપરવાહી કહી રહ્યા છે.
આવી સ્થિતિમાં રેલવેએ સોનુ સૂદના આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા શેર કરી છે. ઉત્તર રેલવેએ ટ્વીટ કર્યું, ‘પ્રિય સોનુ સૂદ, તમે દેશ અને દુનિયાના કરોડો લોકો માટે આદર્શ છો. ટ્રેનના પગથિયાં પર મુસાફરી કરવી ખતરનાક છે, આ પ્રકારનો વીડિયો તમારા ચાહકોને ખોટો સંદેશ મોકલી શકે છે. કૃપા કરીને આ ન કરો! સરળ અને સલામત મુસાફરીનો આનંદ માણો. એટલું જ નહીં, રેલ્વેની સાથે મુંબઈ રેલ્વે પોલીસે પણ ટ્વીટ કર્યું કે, “ફૂટબોર્ડ પર મુસાફરી એ સોનુ સૂદની ફિલ્મોમાં મનોરંજનનું સાધન બની શકે છે, વાસ્તવિક જીવનમાં નહીં!” ચાલો તમામ સુરક્ષા માર્ગદશકાઓનું પાલન કરીએ આ ટ્વિટ સામે આવતા જ સોનુ સુદે માફી માંગી છે.