મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં મંદી આગળ વધી હતી સામે ચાંદીનો ભાવમાં પણ ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૭૨૫થી ૧૭૨૬ ડોલરવાળા નીચામાં ૧૭૧૧થી ૧૭૧૨ થઈ સાંજે ભાવ ૧૭૧૯થી ૧૭૨૦ ડોલર રહ્યાના સમાચાર હતા.
વૈશ્વિક સોનાના ભાવ આજે ઘટી નીચામાં નવ મહિનાના તળિયે ઉતર્યા હતા. સોના પાછળ ચાંદીના વૈશ્વિક ભાવ ૨૬.૫૮થી ૨૬.૫૯ ડોલરવાળા નીચામાં આજે સાંજે ૨૬.૦૫થી ૨૬.૦૬ ડોલર રહ્યાના સમાચારહતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ આયાત પડતર નીચી ઉતરતા ઝવેરી બજારમાં તૂટતા ભાવોએ વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા.
- આ દરમિયાન સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દરો જોકે ૨૦ પૈસા વધાર્યાના સમાચાર હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ૧૦ ગ્રામના ભાવ વધુ રૂ.૪૦૦ તૂટી ૯૯.૫૦ના રૂ.૪૬૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૬૫૦૦ બોલાયા હતા. જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૧૨૦૦ ઘટી રૂ.૬૮૫૦૦ બોલાયા હતા.
- વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔશના ૧૨૧૦થી ૧૨૧૧ ડોલરવાળા ઘટી સાંજે ૧૧૬૫થી ૧૧૬૬ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૨૩૬૦થી ૨૩૬૧ ડોલરથી ઘટી આજે સાંજે ૨૩૫૧થી ૨૩૫૨ ડોલર રહ્યાના સમાચાર હતા.
- કોપરના ભાવ આજે સાંજે ન્યુયોર્ક બજારમાં ૪.૧૫થી ૪.૨૦ ટકા તૂટી ગયાના સમાચાર હતા. કોપરના ભાવ ગબડતાં વિશ્વબજારમાં ચાંદીના ભાવ પર દબાણ વધ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
- વિશ્વ બજારમાં ડોલર સામે આજે જાપાનની યેન કરન્સીના ભાવ ગબડી ૭ મહિનાના તળિયે ઉતરી ગયાના સમાચાર હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૭૨.૭૨ વાળા રૂ.૭૩.૦૨ ખુલી ઉંચામાં રૂ.૭૩.૦૬ થયા પછી નીચામાં ભાવ રૂ.૭૨.૫૯ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૭૨.૮૩ રહેતાં ડોલરના ભાવમાં આજે એકંદરે ૧૧ પૈસાની વૃદ્ધી જોવામળી હતી.
- દરમિયાન, બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે જોકે ૨૨ પૈસા ઘટી રૂ.૧૦૧.૪૫થી ૧૦૧.૪૬ હતા જ્યારે યુરોના ભાવ ૩૭ પૈસા ઘટી ૮૭.૬૩થી ૮૭.૬૪ રહ્યા હતા.
- વિશ્વ બજારમાં સરકારી બોન્ડ તથા ટ્રેઝરીંમાં ચીલ્ડ-વળતર ફરી વધતાં વૈશ્વિક સોનામાં ફંડવાળાની વેચવાલી વધ્યાની ચર્ચા હતી.
મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૪૫૦૩૬ વાળા રૂ.૪૪૬૬૩ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૫૨૧૭ વાળા રૂ.૪૪૮૪૩ બંધ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે કિલોના જીએસટી વગર રૂ.૬૭૯૧૯ વાળા ઘટી રૂ.૬૬૧૨૬ બંધ રહ્યા હતા. તથા આ બન્ને કિંમતી ધાતુઓમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
ચાંદીમાં કેશમાં ભાવ રૂ.૧૨૦૦ ઉંચા બોલાતા હતા. દરમિયાન, ક્રૂડતેલના ભાવ આજે સાંજે આશરે પા થી અડધો ટકો વધી બેરલદીઠ ભાવ ન્યુયોર્ક ક્રૂડના ૬૧.૫૦ ડોલર તથા બ્રેન્ટ ક્રૂડના ૬૪.૨૦થી ૬૪.૨૫ ડોલર બોલાઈ રહ્યાના સમાચાર હતા.
આ લખાય છે ત્યારે ક્રૂડ બજારના ખેલાડીઓની નજર ઓપેકના પ્લસના ઉત્પાદક દેશોની મિટિંગ પર રહી હતી. અમેરિકાના એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા મુજબ અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૨૧૦ લાખ બેરલ વધ્યાના સમાચાર હતા. આ પૂર્વે અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે આવી સ્ટોક વૃદ્ધી ૭૪ લાખ બેરલ્સની બતાવી હતી