સોનાની દાણચોરીનું હબ બન્યું અમદાવાદ એરપોર્ટ, મહિલાએ બાળકના ડાયપરમાં છુપાવ્યું હતુ ૫ કિલો સોનું

અમદાવાદ,

અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ દેશભરના ગોલ્ડ સ્મગલરો માટે હોટ ફેવરિટ એવા અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરી થતી પકડાઇ છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈથી આવતી ફ્લાઈટમાં પેસેન્જર પાસેથી ડીઆરઆઇએ બાતમીના આધારે ૨.૬૧ કરોડની કિંમતનું ૫ કિલોથી વધુ સોનું પકડાયું છે.

દુબઈથી આવેલી આ સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ૩ પેસેન્જર દાણચોરીથી સોનું ઘૂસાડી રહ્યાં હોવાની બાતમી મળી હતી. ત્રણ પેસેન્જરમાંથી એક મહિલાએ સોનાની પેસ્ટ ડાયપરમાં સંતાડી ડાયપર બાળકને પહેરાવી દીધું હતું.

ડીઆરઆઈના અધિકારીઓએ સોમવારે આ ઓપરેશનને પાર પાડ્યું હતું. જેમાં તપાસ દરમિયાન પેસ્ટ સ્વરૂપે લવાયેલું લગભગ ૫૦૮૮ ગ્રામ સોનું પકડાયું હતું. ડાયપર ઉપરાંત સોનું કમર પટ્ટામાં તેમજ પેન્ટના નીચેના ભાગમાં બનાવવામાં આવેલા ખિસ્સામાં સોનું છુપાવવામાં આવ્યું હતું.આ કરામતવાળું જીન્સ પેન્ટ બાળકને પહેરાવી દેવાયું હતું. અત્યાર સુધીમા આ પ્રથમ ઘટના છે. જેમાં સોનાની દાણાચોરી માટે બાળકનો ઉપયોગ થયો છે.

પોલીસે દાણચોરીના કેસમાં બે મહિલા પેસેન્જર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક વર્ષમાં ડીઆરઆઈ અમદાવાદે સોનાની દાણચોરીની પર્દાફાશ કર્યો હતો. આ અગાઉ કેટલાક કિસ્સામાં સોનાની દાણચોરીમાં એરપોર્ટના સ્ટાફની સંડોવણી હોવાનું પણ પકડાયું હતું.

આ અગાઉ પણ અમદાવાદ એરપોર્ટના બાથરૂમમાંથી ૧૧૬ ગ્રામના સોનાના ૬ બિસ્કિટ મળી આવ્યા હતાં. જેની માર્કેટ કિંમત આશરે ૩૯ લાખ રૂપિયાનું હતું. બાથરૂમનો ફ્લશ કામ ન કરતો હોવાની એક પેસેન્જરે સફાઈ કર્મચારીને ફરિયાદ કરી હતી. જે બાદ સફાઈ કર્મચારીએ ફ્લશ ની તપાસ કરતા કાળા કલરના એક પાર્સલમાં સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. જેની કસ્ટમ વિભાગને જાણ કરવામાં આવી હતી.

થોડા દિવસ પહેલા જ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટોઈલેટમાંથી ૮૦૦ ગ્રામ સોનું મળી આવ્યું. ગુરુવારે હાઉસકીપિંગના સુપરવાઈઝર હરવિંદર નારુકાને ટોઈલેટની ફ્લશ ટેન્કમાંથી પ્લાસ્ટિકની ૨ થેલી મળી આવી હતી. જેની તપાસ કરતા તેમાંથી સોનાના ૨ કડાં મળી આવ્યા. જેનું વજન ૮૦૦ ગ્રામ થયું હતું.

ગોલ્ડ મળ્યાની જાણ કસ્ટમ વિભાગને કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો એરપોર્ટ ઓથોરિટીએ સુપરવાઈઝરની કામગીરીની પ્રશંસા કરીને સન્માનિત કર્યો.