લદ્દાખ, સામાજિક કાર્યર્ક્તા અને પર્યાવરણવાદી સોનમ વાંગચુક, જે લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ૨૧ દિવસથી હડતાળ પર હતા. તેમણે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી છે. વાંગચુક છેલ્લા ૨૧ દિવસથી માત્ર મીઠું અને પાણી લેતા હતા. તેણે એક બાળકના હાથમાંથી જ્યુસ પીને આમરણાંત ઉપવાસનો અંત આણ્યો હતો.
વાંગચુકે કહ્યું કે અમે લદ્દાખમાં હિમાલયના પર્વતોની નાજુક ઇકોસિસ્ટમ અને અહીંની અનોખી સ્વદેશી આદિવાસી સંસ્કૃતિને બચાવવા માટે અમારો અવાજ ઉઠાવી રહ્યા છીએ અને આ લડાઈ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
ભૂખ હડતાળને સમાપ્ત કરતા પહેલા, વાંગચુકે સવારે સોશિયલ મીડિયા એકાઉન્ટ ’એકસ’ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને લદ્દાખ સંબંધિત મુદ્દાઓને હસ્તક્ષેપ કરવા અને ઉકેલવા વિનંતી કરી હતી. વાંગચુકે એમ પણ કહ્યું હતું કે આજે તેમની ભૂખ હડતાલનો ૨૧મો દિવસ છે પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા લદ્દાખ મુદ્દે એક પણ શબ્દ બોલવામાં આવ્યો નથી.
સોનમ વાંગચુક દ્વારા ભૂખ હડતાળ એવા સમયે કરવામાં આવી હતી જ્યારે લદ્દાખમાં તાપમાન -૧૦ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. તેમની માંગણીઓને મોટી સંખ્યામાં લોકોનું સમર્થન પણ મળ્યું છે. લોકોએ સોમવાર (૨૫ માર્ચ)ની રાત પણ તેમની સાથે લદ્દાખના બરફીલા પહાડોમાં વિરોધ સ્થળ પર સૂઈને વિતાવી હતી.
વાંગચુક લદ્દાખના પર્યાવરણ કાર્યર્ક્તા, મિકેનિકલ એન્જિનિયર અને શિક્ષક છે. તેઓ હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓલ્ટરનેટિવ્સ, લદ્દાખના ડિરેક્ટર પણ છે. તેમને વર્ષ ૨૦૧૮માં મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો. સોનમ વાંગચુકને ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે, જેમાં રેમન મેગ્સેસે એવોર્ડનો સમાવેશ થાય છે. તેમને સંતોકબા માનવતાવાદી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ’૩ ઈડિયટ્સ’માં મુખ્ય ભૂમિકા ભજવનાર આમિર ખાન એટલે કે ’રાંચો’નું પાત્ર તેના (સોનમ વાંગચુક)થી પ્રેરિત છે. આ ફિલ્મ ૨૦૦૯માં રીલિઝ થઈ હતી અને ’રાંચો’ની ભૂમિકા આજે પણ દરેકના મન અને હૃદયમાં મોજૂદ છે.