સોમાલીયા ની રાજધાની માં આતંકી હુમલો,નવના મોત, ૨૦ ઘાયલ

મોગાદિશા, સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં શુક્રવારે એક મોટો આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ત્રણ સૈનિકો સહિત ૯ લોકો માર્યા ગયા હતા, જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા હતા.સોમાલિયાની પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આતંકવાદીઓએ શુક્રવારે રાત્રે દરિયા કિનારે સ્થિત એક હોટલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ અરાજક્તા ફેલાઈ ગઈ હતી.

આધારભૂત અહેવાલ મુજબ હુમલા બાદ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે લગભગ છ કલાક સુધી ગોળીબાર ચાલ્યો હતો. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પર્લ રેસ્ટોરન્ટમાં માર્યા ગયેલા લોકોમાં છ નાગરિકો અને ત્રણ સૈનિકોનો સમાવેશ થાય છે. વધુમાં, એમેન એમ્બ્યુલન્સ સેવાના ડિરેક્ટર અબ્દીકાદિર અબ્દીરહમાને જણાવ્યું હતું કે તેમના જૂથે ૨૦ ઘાયલ લોકોને ઘટનાસ્થળેથી બહાર કાઢ્યા હતા. અલ-કાયદા સાથે જોડાયેલા જેહાદી સંગઠન અલ-શબાબે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ આતંકી ઘટના બાદ હોટલને સીલ કરી દેવામાં આવી છે.

આ ઘટના અંગે સોમાલી નેશનલ ન્યૂઝ એજન્સીએ ટ્વિટર પર કહ્યું હતું કે સુરક્ષા દળોએ આતંકવાદી હુમલા માટે જવાબદાર અલ-શબાબ આતંકવાદીઓને સફળતાપૂર્વક ઠાર માર્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે અલ-કાયદા સાથે જોડાયેલા જેહાદીઓ લગભગ ૧૫ વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તરે સમથત સંઘીય સરકાર સામે બળવો કરી રહ્યા છે. તેઓ ઘણીવાર હોટલોને નિશાન બનાવે છે જે સોમાલી ઉચ્ચ વર્ગ અને વિદેશી અધિકારીઓને હોસ્ટ કરે છે.

અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં અલ-શબાબના આતંકવાદીઓએ સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એક હોટલ પર હુમલો કર્યો હતો.તે હુમલામાં પણ ૯ લોકોના મોત થયા હતા, જ્યારે ૪૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. અલ-શબાબે આ પહેલા પણ મોગાદિશુ શહેરમાં અનેક ભયાનક વિસ્ફોટો કર્યા છે. આતંકવાદી સંગઠન અલ-શબાબની સ્થાપના ૨૦૦૬માં થઈ હતી. ત્યારથી, આ આતંકવાદી સંગઠન નિયમિતપણે સોમાલિયામાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપે છે.