સોનાના ભાવમાં મોટો ઉછાળો, તોફાની તેજી સાથે ઑલટાઈમ હાઈ ૬૨ હજાર સુધી પહોંચ્યા

અમદાવાદ,હાલ લગ્નની સિઝન જોરમાં છે એવામાં સોનાના ભાવની સપાટીએ અસામાનની સફરે પહોંચી છે. સોનાના ભાવ ૬૩ હજાર નજીક પહોંચવા આવ્યા છે. હાલ એવી પરિસ્થીતી સર્જાઈ છે કે સોનાનું લોકોને ખરીદવું તો હશે પણ તેના ભાવ સાંભળી લોકોના હાજા ગગડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

સોનાના ભાવે આજે તમામ રેકોર્ડ તોડી અત્યાર સુધીની ટોચ પર પહોંચ્યા છે. જો આજે અમદાવાદ જીલ્લામાં સોનાના ભાવની વાત કરવામાં આવે તો તોફાની તેજી સાથે ભાવ ઓલ ટાઈમ હાઈ ૬૨,૨૩૦ પર પહોચ્યા છે. બીજી તરફ ચાંદીમાં પણ ઉછાળો આવ્યો છે અને ચાંદી ૭૫,૨૮૨ રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે.

આજે અમદાવાદમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૫,૭૦૫ રૂપિયા પ્રતિ ગ્રામ છે. એટલે કે અમદાવાદમાં ૨૨ કેરેટના એક તોલા સાનાનો ભાવ ૫૭,૦૫૦ રૂપિયા જોવા મળી રહ્યો છે. જ્યારે ૨૪ કેટેર સોનું અમદાવાદમાં ૬,૨૨૩ રૂપિયા પ્રતિ ગ્રામ છે. એટલે કે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૬૨,૨૩૦ રૂપિયાએ પહોંચ્યો છે. એટલું જ નહીં વિશ્ર્વબજારનો માહોલ જોતાં આગામી સમયમાં પણ સોનાના ભાવ હજુ વધારો યથાવાત રહે તેવું જાણવા મળી રહ્યું છે. દિવાળી સુધીમાં સોનાના ભાવ રૂ.૭૦ હજાર થાય તેવી નિષ્ણાંતોએ ભવિષ્યવાણી કરી છે. જ્યારે ચાંદીનો ભાવ રૂ.૮૫ હજાર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.