નવીદિલ્હી, સોના બાદ આજે ચાંદીના ભાવે નવો રેકોર્ડ બનાવી દીધો છે. ગુરૂવારે કારોબારી સત્ર દરમિયાન ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ચાંદીનો ભાવ વધીને ૮૬૦૦૦ રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગયો છે. સોનાની કિંમતમાં પણ ફરી તેજી જોવા મળી છે. પાછલા સપ્તાહે સોનામાં ઘટાડા બાદ લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. પાછલા મહિને ૧૯ એપ્રિલે સોનું અત્યાર સુધીના ઓલ ટાઈમ હાઈ ૭૩૫૯૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પહોંચ્યું હતું. હવે ફરી આ ભાવની આસપાસ કારોબાર કરી રહ્યું છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગુરૂવારે મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. એમસીએક્સ પર સોનું સવારના સમયે સામાન્ય તેજી સાથે ખુલ્યું હતું. પરંતુ બપોરના સમયે તે ૨૨ રૂપિયાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું હતું. બીજીતરફ ચાંદીના ભાવમાં સારી તેજી આવી અને તે ૩૪૧ રૂપિયા વધી ૮૭૨૦૬ રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી. ચાંદી સવારે ૧૦૦ રૂપિયાની તેજી સાથે ખુલી હતી. પાછલા દિવસોમાં જ્યારે સોનાની કિંમતમાં ઘટાડો થયો તો જાણકારો તરફથી હજુ પણ ઘટાડાની આશા કરવામાં આવી રહી હતી.
સોની બજારમાં છેલ્લા કેટલાક સમયથી ઉથલપાથલ જોવા મળી રહી છે.આઇબીજેએની વેબસાઇટ અનુસાર ગુરૂવારે ૨૪ કેરેટ સોનું ૫૪૨ રૂપિયા વધી ૭૩૪૭૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પહોંચી ગયું છે. ૨૩ કેરેટ સોનાનો ભાવ ૭૩૧૮૨ રૂપિયા અને ૨૨ કેરેટ સોનાનો ભાવ ૬૭૩૦૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે. ચાંદીના ભાવમાં પણ જોરદાર તેજી આવી છે અને તે ૧૨૦૦ રૂપિયાના વધારા સાથે ૮૫૭૦૦ રૂપિયા પર ટ્રેડ કરી રહી છે. આ રીતે ચાંદીની કિંમત અત્યાર સુધીના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે.