સોમનાથમાં ભવ્ય મહાશિવરાત્રિ મહોત્સવ:સમુદ્રકિનારે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન; સતત 42 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે, ભક્તો માટે વિશેષ સુવિધાઓ

શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ 2025ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિર 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. સવારે 8 વાગ્યે સોમનાથ સમુદ્રકિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે એ માટે સવારે 8થી 11 અને બપોરે 1થી 5 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

સંકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરાશે. સોમેશ્વર મહાપૂજાના સ્લોટ્સ બમણા કરવામાં આવ્યા છે. 24થી 26 ફેબ્રુઆરી સુધી સમુદ્રદર્શન વોક-વે પર “સોમનાથ મહોત્સવ”માં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભક્તો માત્ર 25 રૂપિયામાં બિલ્વપૂજા કરી શકશે. પોસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવામાં આવશે. દિવ્યાંગ અને વૃદ્ધ ભક્તો માટે સ્વાગત કક્ષ ખાતે ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ રહેશે.

આ સાથે જ ભાવિકોની પ્રિય ધ્વજાપૂજા અને રુદ્રાભિષેકનો સર્વોત્તમ અનુભવ ભાવિકો કરી શકે એ માટે મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ કર્મચારીઓ અને માળખાકીય વ્યવસ્થા ગોઠવીને યાત્રીઓને અભૂતપૂર્વ અનુભવ આપવા આયોજન કરાયું છે. ગત વર્ષે બે લાખથી વધુ શ્રદ્ધાળુએ દર્શન કર્યા હતા. આ વર્ષે પણ મોટી સંખ્યામાં આવનાર ભક્તોને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાશિવરાત્રિ એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો ઉત્સવ. મહાશિવરાત્રિના પર્વ પર શિવભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે અને એમાં પણ વિશેષરૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવપૂજનનું શાસ્ત્રમાં પણ અનેરું મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. આવનારી મહાશિવરાત્રિ પર તા. 26/02/2025ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુને પંચમહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થેશ્વર શિવલિંગ પૂજા કરાવવામાં આવશે.

આ પૂજા સોમનાથ મંદિરના સાંનિધ્યમાં પ્રોમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે કરાવવામાં આવશે, જેમાં આકાશ, અગ્નિ, જલ, પૃથ્વી, અને હવા એમ પંચમહાભૂતની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગની ભક્તોને વિસ્તૃત પૂજા કરાવવામાં આવશે. ગત 2 વર્ષથી યોજાતી આ પૂજા ભક્તો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે સવારે 08:00થી 09:00 વાગ્યે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન થવાનું છે, જેનું રજિસ્ટ્રેશન ચાલુ છે.

તા. 24થી 26 ફેબ્રુઆરી દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ અને કલાને સંગીતમય અને નૃત્ય સભર શૈલીમાં દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર રાષ્ટ્રીય પુરસ્કારો જીતનાર કલાકારો દ્વારા શ્રદ્ધાળુઓ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.

મહાશિવરાત્રિના પર્વ પર સોમનાથ દાદાનાં દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓ મહાદેવનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરે એ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ભક્ત સમૂહ દ્વારા અનેકવિધ ભંડારાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં એક જ સ્થાન પર શ્રદ્ધાળુઓને ફળાહાર ભોજન મળશે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક વ્યવસ્થામાં વધારે કર્મચારીઓ મૂકી મહાશિવરાત્રિના પર્વ પર એક પણ શ્રદ્ધાળુને અગવડ ન પડે એની ખાસ કાળજી લેવામાં આવી છે. વિશેષ રૂપે જ્યારે લાખો લોકો દિવસ દરમિયાન પધારવાના હોઈ, ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અને અગ્રિમ મહત્ત્વ આપી રાઉન્ડ ધી ક્લોક સફાઈ ટીમો તૈયાર કરી તીર્થ નિર્મળ અને સ્વચ્છ અનુભવાય એ સુનિશ્ચિત કર્યું છે.

વિશેષમાં આ વખતે પહેલી વખત સફાઈ માટે સ્ટ્રાઇકિંગ ફોર્સ તૈયાર કરવામાં આવી છે, જેમાં કોઈપણ વ્યક્તિ ક્યાંય પણ અસ્વચ્છ દેખાય તો આ ટીમનો સંપર્ક કરી તરત સ્વચ્છતા કરાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરમાં યાત્રીઓની વધતી સંખ્યાને અનુલક્ષીને લોકોની સુવિધા સચવાઈ રહે એ માટે 3 દિવસ લાઇટ એન્ડ સાઉન્ડ શો બંધ રાખવામાં આવ્યો છે.