સોલોમન ટાપુ પર ધરતીકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર ૭.૦ની તીવ્રતા નોંધાયા બાદ સુનામીનું એલર્ટ

સોલોમન ,

છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના કેસો વધી રહ્યા છે. આજે મંગળવારે સોલોમન ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૦ માપવામાં આવી છે અને ભૂકંપને જોતા આ વિસ્તારમાં સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. એક દિવસ પહેલા ઈન્ડોનેશિયામાં વિનાશક ભૂકંપ આવ્યો હતો જેમાં ૧૬૦થી વધુ લોકોના મોત થયા હતા.

સોલોમન ટાપુઓના માલાંગોના દક્ષિણપશ્ચિમમાં આજે સવારે ૭.૩૩ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક દિવસ પહેલા ઈન્ડોનેશિયા અને ગ્રીસમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. ગ્રીસમાં ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૫ની તીવ્રતા માપવામાં આવી હતી. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર ઇન્ડોનેશિયામાં ૫.૪ ની તીવ્રતાનો ભૂકંપ પશ્ર્ચિમ જાવા પ્રાંતના સિઆનજુર ક્ષેત્રમાં ૧૦ કિલોમીટર (૬.૨ માઇલ) ની ઊંડાઈ પર કેન્દ્રિત હતો,

આ અગાઉ ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર સોમવારે આવેલા તીવ્ર ભૂકંપ અને આટરશોક્સના કારણે અનેક મકાનો ધરાશાયી થયા હતા. ભૂકંપ સંબંધિત ઘટનાઓને કારણે દેશમાં અત્યાર સુધીમાં ૧૬૨ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપથી ડઝનેક ઈમારતોને નુક્સાન થયું હતું અને શેરીઓ અને ગલીઓમાં પોતાના જીવ માટે દોડતા ઘણા લોકો ઘાયલ અને લોહીથી લથપથ જોવા મળ્યા હતા.

જાવાના ગવર્નર રિદવાન કામિલે જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધીને ૧૬૨ થઈ ગઈ છે. “મૃતકોમાં મોટાભાગના બાળકો છે,” તેમણે કહ્યું. તેમણે કહ્યું કે ભૂકંપ સમયે પબ્લિક સ્કૂલમાં ભણતા મોટાભાગના બાળકો અભ્યાસ પૂરો કર્યા બાદ ઈસ્લામિક સ્કૂલોમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા. કામિલે કહ્યું, “ઘણી ઇસ્લામિક શાળાઓમાં અકસ્માતો થયા છે.” યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ૫.૪-તીવ્રતાનો ભૂકંપ પશ્ર્ચિમ જાવા પ્રાંતના સિઆનજુર ક્ષેત્રમાં ૧૦ કિલોમીટર (૬.૨ માઇલ) ની ઊંડાઈ પર કેન્દ્રિત હતો.