ગાંધીનગર, ગાંધીનગર શહેરના ઇન્ફોસિટી સુપર મોલ એકમાં આવેલા અશોક પાન પાર્લરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્પની ટીમને દરોડો પાડીને ઈ સિગારેટ અને પ્રતિબંધિત સિગારેટના જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો હતો અને ૧.૨૯ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વેપારી સામે ઇન્ફોસીટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ અને નશાનો કારોબાર કરતા તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે , ઇન્ફોસિટી સુપર મોલ એકમાં આવેલ દુકાન નંબર ૩૯માં અશોક પાન પાર્લર ચલાવતો સુનિલ શતવીરસિંહ જાદુન રહે , આશીર્વાદ હોમ્સ હંસપુરા અમદાવાદ દુકાનમાં અલગ અલગ લેવરની નિકોટીન યુક્ત ઇ-સિગારેટ અને પ્રતિબંધિત સિગારેટ તેમજ તમાકુ રાખીને નશાનો કારોબાર ચલાવે છે.
જે બાતમીના પગલે પોલીસની ટીમ અહીં તપાસ માટે પહોંચી હતી અને સુનિલ હાજર મળી આવ્યો હતો. જેને સાથે રાખીને દુકાનમાં તપાસ કરતા અલગ અલગ લેવરની ૧૩ જેટલી સિગારેટ મળી આવી હતી. જેની સાથે દુકાનમાં પ્રતિબંધિત સુગારેટના બોક્સ, તમાકુના પેકેટનો જથ્થો મળી આવ્યો હતો. જે સંદર્ભે તેની પૂછપરછ શરૃ કરવામાં આવી હતી અને ૧.૩૯ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને તેની સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.