ઇસ્લામાબાદ,
પાકિસ્તાન ક્રિકેટ માં સતત વિવાદો વર્તાતા રહે છે. કોઈ ખેલાડીનુ સિલેક્શન ટીમમાં થાય તો પણ અને ના થાય તો પણ વિવાદ વર્તાતો રહેશે. એક મત મુજબની વિવાદ વિનાની વાત ભાગ્યેજ જોવા મળતી હોય છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમની પસંદગી ગત ટી૨૦ વિશ્ર્વકપ ૨૦૨૨ માટે કરવામાં આવી હતી, ત્યારે પણ આવો જ વિવાદ સામે આવ્યો હતો. પાકિસ્તાનના જ અનેક દિગ્ગજોએ પણ ટીમની પસંદગીને લઈ સવાલો ઉઠાવ્યા હતા. શોએબ મલિકને વિશ્ર્વકપની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. તેને બહાર રાખવાના નિર્ણય પર પણ ચાહકો અને તે પોતે પણ ખૂબ જ આશ્ર્ચર્ય અનુભવી રહ્યા હતા. શોએબે તો ટીમની પસંદગીને લઈ સોશિયલ મીડિયા પર નિશાન પણ તાક્યા હતા.
ટી૨૦ વિશ્ર્વકપ ૨૦૨૨ માં ભારત સામેની હાર સાથે જ ટીમની શરુઆતને લઈ પાકિસ્તાનમાં હંગામો મચવા લાગ્યો હતો. ટીમની પસંદગીને લઈને પહેલાથી જ ઉઠાવેલા સવાલોને લઈ ફરીથી પસંદગીકારો સામે સવાલોનો મારો કરી દેવામાં આવ્યો હતો. જોકે નસીબે સાથ આપતા પાકિસ્તાન જેમતેમ કરીને ફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહ્યુ હતુ. જ્યાં તેની કારમી હાર થઈ હતી. હવે જ્યારે વિશ્ર્વકપમાં હાર થઈ ચૂક્યાને પણ મહિનાનો સમય વિતી ચુક્યો છે, ત્યારે હવે શોએબે પાકિસ્તાની સુકાની બાબર આઝમની સાથે સારા સંબંધો હોવાનો દાવો કર્યો છે.
ક્રિકેટ પાકિસ્તાન સાથેની વાતચીતમાં મલિકે પોતાના દિલની સ્થિતિ જણાવી અને કહ્યું કે તેને બાબરથી કોઈ નારાજગી નથી. તેણે કહ્યું, “બાબર આઝમે મને કહ્યું હતું કે માત્ર એશિયા કપની ટીમ જ ટી 20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જશે. મને ખબર નથી કે અંદર શું ચાલી રહ્યું હતું પરંતુ બાબર આઝમ સાથે મારા સંબંધો સારા છે, એમ તેણે મને કહ્યું હતું”.
શોએબે વધુમાં કહ્યું કે બાબર આઝમ તેના નાના ભાઈ જેવો છે અને તે હંમેશા તેની પડખે ઉભા રહેશે. તેણે કહ્યું, “બાબર આઝમ મારા નાના ભાઈ જેવા છે. તેની કારકિર્દીમાં જો કોઈ મદદની જરૂર પડશે તો હું તૈયાર રહીશ. હું આજે પણ છું અને ભવિષ્યમાં પણ બાબર આઝમની સાથે રહીશ. જો હું ટીમમાં સ્થાન ન મેળવી શક્યો તો કોઈ નારાજગી નથી. હું ઈચ્છું છું કે બાબર આઝમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખે અને ટીમના પ્રદર્શનને પણ ટોચ પર રાખે. તેની સાથે મારી નારાજગી જેવું ક્યારેય નહોતું”.
હવે શોએબ મલિકની પાકિસ્તાન ક્રિકેટમાં વાપસી મુશ્કેલ લાગી રહી છે. હાલમાં તે પાકિસ્તાન અને શ્રીલંકાની લીગમાં રમી રહ્યો છે અને હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેવી સંભાવનાઓ ધૂંધળી લાગી રહી છે. જોકે તે પાકિસ્તાન તરફથી ટી૨૦ ફોર્મેટમાં રમવા માટેની ઈચ્છા અગાઉ જાહેર કરી ચુક્યો છે.