
અમદાવાદની સરખેજ પોલીસ દ્વારા 3 ડિસેમ્બરના રોજ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના તાંત્રિક નવલસિંહ ચાવડાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી નવલસિંહે વેપારીને તાંત્રિક વિધિથી ચાર ગણા પૈસા કરી આપવાના નામે બોલાવી હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જેમાં તેને દુરના સાળા જે કારનો ડ્રાઈવર છે તેને અમીર બનાવી દેવાની લાલચ આપીને પ્લાનમાં સામેલ કર્યો હતો, પરંતુ કાર ડ્રાઈવરને આ કામ ન કરવું હોવાથી પોલીસને જાણ કરી દીધી હતી.
આજરોજ રિમાન્ડ દરમિયાન તાંત્રિક નવલસિંહનું એકાએક ઢળી પડ્યાં બાદ સિવિલમાં મોત નીપજ્યું છે. રિમાન્ડ દરમિયાન આરોપીએ અનેક ઘટસ્ફોટ કર્યા છે. જેમાં તેણે અત્યાર સુધીમાં 12 લોકોને સોડિયમ નાઇટ્રેટ પાણી અને દારૂમાં પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાની કબૂલાત કરી હતી. આ 12 હત્યામાં તેની માતા, કાકા અને દાદીનો પણ સમાવેશ છે.
તાંત્રિકની મોત મામલે ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. અહીં તેઓએ જણાવ્યું હતું કે, 42 વર્ષીય તાંત્રિક નવલસિંહની કસ્ટોડિયલ ડેથને લઈને તપાસ કરવામાં આવશે. આરોપી નવલસિંહની સવારે તબિયત બગડતાં 108 દ્વારા સોલા સિવિલ લઈ જવામાં આવ્યો હતો અને અહીં તેનું મોત થયું છે. આરોપીએ અત્યાર સુધી 12 લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આરોપીએ તેના પરિવારમાંથી જ દાદી, માતા અને કાકાની હત્યા કરી છે. આરોપી છેલ્લા 12 વર્ષથી આ રીતે હત્યા કરતો હતો અને તે સુરેન્દ્રનગરની લેબમાંથી સોડિયમ નાઇટ્રેટ ખરીદતો હતો.

વધુમાં ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે, સુરેન્દ્રનગરમાં તાંત્રિક નવલસિંહ ચાવડાનો આશ્રમ હતો અને તે ભૂવા તરીકે કામ કરતો હતો. આ સાથે આરોપી વઢવાણના આવેલા મઢમાં દોરા-ધાગા પણ કરતો હતો. નવલસિંહ લોકોને પોતાનો શિકાર બનાવ્યાં બાદ સોડિયમ નાઇટ્રેટ પાણીમાં અથવા તો દારૂમાં આપતો હતો, જેથી વ્યક્તિનું 20 મિનિટમાં જ મોત થતું. આ વ્યક્તિના પીએમ રિપોર્ટમાં મોત પાછળનું કારણ હાર્ટ-એટેક સામે આવતું હતું.
સોડિયમ નાઇટ્રેટ પાવડરના સ્વરૂપમાં હોય છે અને જો તેને એક ચમચી પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો 20 મિનિટમાં જ મોત થઈ શકે છે. એકવાર સોડિયમ નાઇટ્રેટ પી લીધું પછી બચવાની સંભાવના રહેતી નથી
સરખેજ પોલીસ દ્વારા ૩ ડિસેમ્બરના રોજ નવલસિંહ ચાવડાને એરેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર થતાં આરોપી 10 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર હતો. રિમાન્ડ દરમિયાનની તપાસમાં જાણવા મળ્યું કે, નવલસિંહ ચાવડા તાંત્રિક હતો અને તેણે તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા માટે કુલ 12 મર્ડર કર્યા હતા, જેમાં તેના પરિવારનો ત્રણ સભ્યનો પણ સમાવેશ થાય છે. આરોપીએ 1 મર્ડર અસલાલીમાં, 3 સુરેન્દ્રનગર, 3 રાજકોટના પડધરીમાં, 1 અંજાર, 1 વાંકાનેર અને વઢવાણમાં 3 પોતાના પરિવારના સભ્યના જ મર્ડર કર્યાની કબૂલાત કરી હતી. આજરોજ તાંત્રિક નવલસિંહની પોલીસ કસ્ટડીમાં એકાએક તબિયત બગાડતા તે ઢળી પડ્યો હતો અને અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે.
તાંત્રિક નવલસિંહ 1 વર્ષ પહેલા અમદાવાદ રહેવા આવી ગયો હતો. તેમ છતાં તે અવારનવાર તાંત્રિત વિધી માટે વઢવાણ જતો હતો. ચાલુ વર્ષે માર્ચ મહિનામાં નવલસિંહના શકંજામાં આવેલા વઢવાણના 3 વ્યક્તિના શંકાસ્પદ મૃત્યુ થયા હતા. નવલસિંહ જે પણ વ્યક્તિને શકંજામાં લે તેને પાણી અથવા દારૂમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવી દેતો હતો. આ પીધા બાદ જેતે પીડિત વ્યક્તિ 15થી 30 મિનિટમાં તેને હાર્ટ-એટેક આવી જતો હતો અથવા તો શરીરના અંગો નિષ્ક્રીય થઈ જતા હતા. જેથી માણસનું હાર્ટ-એટેક આવવાથી અથવા તો તેની મુલાકાત લીધા બાદ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. લોકોને શકંજામાં લેવા માટે નવલસિંહ યુટ્યુબ ઉપર મોજે મસાણી નામની ચેનલ ચલાવતો હતો.
સાણંદના નવાપુરામાં રહેતા અને ચાંગોદર ખાતે ફેક્ટરી ધરાવી કોસ્મેટિક ટ્રેડિંગનું કામ કરતા અભીજીતસિંહ રાજપૂતને તેમના સંબંધીએ કહ્યું હતું કે, નવલસિંહ અરવિંદસિંહ ચાવડા વઢવાણ મહાણી મેલડી માતાના ભૂવાજી છે અને તે તાંત્રિક વિદ્યા જાણે છે. તે તાંત્રિક વિધિથી ચાર ગણા રૂપિયા કરી શકે છે. જેથી ગત 30 નવેમ્બરે રાત્રિના સમયે અભીજીતસિંહે નવલસિંહને મેસેજ કર્યો હતો અને બાદમાં નવલસિંહે અભીજીસિંહને ફોન કરી મળવા બોલાવ્યો હતો. અભીજીતસિંહ સફારી કાર લઇને નવલસિંહના ઘર પાસે મળવા ગયો હતો. બાદમાં બંને કારમાં બેસીને વાતો કરતા હતા. જેમાં નવલસિંહે કેટલા રૂપિયા પડ્યા છે, પૂછતા અભીજીતસિંહે પાંચ લાખ જેટલા છે તેવું કહ્યું હતું. જેથી તાંત્રિક નવલસિંહે ગત 1 ડિસેમ્બરે મમતપુરા પાસે સમાજની ક્રિક્રેટ મેચ છે તો તું ત્યાં રૂપિયા અને દાગીના લઇને સનાથળ આવી જજે ત્યારે વિધિ કરી રૂપિયા ચાર ગણા કરી આપીશ, તેવું કહ્યું હતું.
અભીજીતસિંહ સાથે જતા કાર ડ્રાઈવર જીગર ગોહિલે નવલસિંહે અમીર બનાવી દેવાનું કહી પોતાના પ્લાનમાં સામેલ થવા જણાવ્યું હતું. જેમાં નવલસિંહે કાર ડ્રાઈવર જીગરને જણાવ્યું કે, કાર ચલાવી રૂપિયાવાળા નહીં થવાય. મારી પાસે એક પ્લાન છે અને તેમાં તારે મારો સાથ આપવાનો છે. ત્યારબાદ તેણે જીગરને પ્લાન વિશે વધુ વાત કરીને અભીજીતસિંહને મારી નાખવાની વાત પણ કરી હતી. તેના પ્લાન મુજબ અભિજીિતસિંહ જેવો ગાડીમાં પૈસા લઈને આવે એટલે ગાડીમાં પડેલો પાઉડર પાણીમાં ભેળવીને તેને પીવડાવવાનો હતો. આ પાઉડરથી કાં તો તે બેભાન થશે અને કાં તો તેનો અકસ્માત થશે અથવા તો તેને હાર્ટ-એટેક આવશે, તેવી વાત કરી હતી. બાદમાં વેપારીના તે રૂપિયા લઈને ફરાર થઈ જશે અને જીગરને રૂપિયામાંથી 25 ટકા કમિશન આપવાનો હતો.
જોકે, જીગર ગોહિલનો ભાઈ 2021માં નવલસિંહના શકંજામાં આવ્યા બાદ તેનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. જેથી જીગરને શંકા જતા તેણે પોલીસને જાણ કરી હતી. નવલસિંહે બીજા દિવસે અભીજીતસિંહને મમતપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમાજની મેચ હોવાથી ત્યાં 5 લાખ અને દાગીના મળીને કુલ રૂ.15 લાખ લઈને બોલાવ્યો હતો. તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો હતો. આ સમગ્ર ઘટના અંગે અભિજિતસિંહએ નવલસિંહ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર અને પાઉડર કબજે કર્યો હતો.