બીજીંગ,
ચીનના સ્પેસ સ્ટેશન તિયાંગોંગનું નિર્માણ થઈ રહ્યું છે. સ્પેસ સ્ટેશન કાર્યરત થઈ જશે પછી ચીનના વિજ્ઞાાનિકો એક મહત્ત્વનો પ્રોજેક્ટ શરૂ કરશે. ચીનમાંથી વાંદરાઓને અંતરિક્ષમાં મોકલાશે. આ વાંદરાઓની પ્રજનન ક્ષમતા અંગે ચીનના સંશોધનો પ્રયોગો કરશે. અંતરિક્ષના વાતાવરણની કેવી અને કેટલી અસર થાય છે તેનો અભ્યાસ કરાશે.ચીનના સ્પેસ સ્ટેશનમાં ઉપકરણોના વિભાગનું નેતૃત્વ કરનાર વિજ્ઞાાની ઝાંગ લૂને ટાંકીને રજૂ થયેલા અહેવાલમાં કહેવાયું હતું કે ચીન વાનરોને અંતરિક્ષમાં મોકલશે.
સ્પેસ સ્ટેશન તિયાંગોંગ એક વખત કાર્યરત થઈ જશે પછી વિજ્ઞાાનિકો વાનરોને અંતરિક્ષમાં મોકલશે. વાનરો અંતરિક્ષમાં કેવી રીતે રહી શકે છે? તેના ખોરાકમાં કેવો અને કેટલો ફેરફાર થાય છે અને તેના પ્રજનનમાં કોઈ પરિવર્તન થાય છે કે કેમ એ બાબતો પર નિરીક્ષણ કરવામાં આવશે.અગાઉ રશિયા અને અમેરિકાએ ઉંદરો, કીડા, માછલી સહિતના સજીવોની પ્રજનના ક્ષમતા અંગેના પ્રયોગો કર્યા હતા. એ વખતે તારણ નીકળ્યું હતું કે અંતરિક્ષમાં સજીવોના મેટિંગ સામે નવા પડકારો સર્જાય છે. ઝીરો ગ્રેવિટી એટલે કે ગુરૂત્વાકર્ષણ વિહોણી સ્થિતિમાં સજીવોના ખાવા-પીવાની રીત બદલાય જાય છે. તેના કારણે પ્રજનન ક્ષમતા ઘટી જાય છે. પ્રજનન ક્ષમતા ઘટવા પાછળ અંતરિક્ષનું વાતાવરણ પણ કારણભૂત છે એવું તારણ એ વખતે કાઢવામાં આવ્યું હતું.