અમેરિકાથી થરથરી ગયું ઈરાક, બગદાદમાં ડ્રોન હુમલામાં મિલિશિયા કમાન્ડર સહિત ત્રણનાં મોત

વોશિગ્ટન, અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે જે દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે અમેરિકાએ ઇરાકની રાજધાની બગદાદમાં એક કાર પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં મિલિશિયા કમાન્ડર સહિત ૩ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. નોંધનીય છે કે મિલિશિયા ગ્રુપને ઈરાનનું સમર્થન મળી રહ્યું છે. આ હુમલાની પુષ્ટિ વોશિંગ્ટનથી કરવામાં આવી હતી જેમાં અમેરિકન અધિકારીઓએ બુધવારે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા સૈનિકો પર થયેલા હુમલાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.

અમેરિકન સેના છેલ્લા ઘણા સમયથી ઈરાન સમર્થિત મિલિશિયા ગ્રુપના લોકો પર નજર રાખી રહી હતી. સૂત્રો દ્વારા મળતા અહેવાલ અનુસાર ઈરાકની રાજધાની બગદાદમાં મિલિશિયા જૂથ ક્તૈબ હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત કેટલાક લોકો એક કારમાં જઈ રહ્યા હતા. કાર જ્યારે પૂર્વી બગદાદના મશતલ વિસ્તારમાં હતી ત્યારે અમેરિકન સેનાએ કારને નિશાન બનાવીને ડ્રોન હુમલો કર્યો હતો. આ હુમલામાં કારનો બુકડો બોલી ગયો હતો.

અમેરિકન સેનાના હુમલા બાદ ઘટનાસ્થળે થોડીવાર માટે અરાજક્તાનો માહોલ સર્જાયો હતો. આ ડ્રોન હુમલો એટલો ભયાનક હતો કે કારમાં સવાર ક્તૈબ હિઝબુલ્લાહના કમાન્ડર અને બે સહાયકોનું પણ મોત થયું હતું. અમેરિકન દ્વારા રાજધાનીમાં કરવામાં આવેલા હુમલાએ બગદાદ સરકારને હચમચાવી દીધી છે. હુમલા બાદ પ્રશાસન અને પોલીસ તરત જ એલર્ટ પર આવી ગઈ હતી. રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જો કે સ્થાનિક પ્રશાસન અને પોલીસે ભીડને કાબૂમાં લીધી હતી.