- દાહોદમાં વહીવટી તંત્ર દ્વારા પુન: ડિમોલેશનની કામગીરી શરૂ કરાઈ, છ દુકાનો સહિત 8 મિલકતો જમીનદોસ્ત કરાઈ.
- પ્રાંત અધિકારી ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી કરી.
- ગોદીરોડનો લેન્ડમાર્ક ગણાતો પોલીસ ચોકી હવે ઇતિહાસ બનશે.
દાહોદ,દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા પહોળા કરવાની સાથે સાથે સ્માર્ટ રોડ અપગ્રેડેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપની દ્વારા શહેરના હાર્દ સમા ગણાતા ગોદીરોડ વિસ્તારમાં સ્માર્ટ રોડ અપગ્રેડેશનની કામગીરી શરૂ કરતા રસ્તા પર અવરોધ રૂપ દબાણો ઉપર પ્રાંત અધિકારી એન.બી. રાજપુત, નગર પાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, બાંધકામ એન્જિનિયર નિલેશભાઈ તેમજ અન્ય નગર પાલિકા, પ્રાંત કચેરીના કર્મચારીઓની ઉપસ્થિતિમાં બુલડોઝરો સહિતનો કાફલા ગોદી રોડ ઉપર ધામા નાખ્યા હતા અને પોલીસ ચોકી તેમજ સુલભ શૌચાલય સહિત 8 જેટલી દુકાન સહીતની મિલકતોને જમીન દોસ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પહેલા ઉપરોક્ત દબાણકર્તાઓને 10 દિવસ પહેલા પણ નોટીસ આપી દુકાનો ખાલી કરી આપમેળે દબાણ દૂર કરવા માટે જણાવ્યું હતું. જે બાદ જે તે દબાણકર્તાઓ દ્વારા દુકાનો ખાલી કરી દીધી હતી અને શટર સહિતના માલ સામાનને બહાર કાઢી દીધો હતો. ત્યારબાદ આજરોજ આ દુકાનોને તોડી પાડવાની કામગીરી હાથ ધરતા પહેલા એમજીવીસીએલ દ્વારા ઉપરોક્ત દબાણો ઉપર લાગેલા વીજ મીટરના કનેક્શનનો કાપી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપરોક્ત દબાણો ઉપર સરકારી તંત્રના બુલડોઝર ચાલતા આ દબાણોનો સફાયો કરી દેતા જમીનદોસ્ત થવા પામ્યા હતા.
છ માસ પહેલા ડિમોલેશનની કામગીરી દરમિયાન ડીમાર્ગેસન કરવામાં આવ્યું હતું…..
વહીવટી તંત્ર દ્વારા એપ્રિલ મેમાં મેગા ડેમોલેશનની કામગીરી પહેલા બધી રોડ વિસ્તારમાં માપણી કર્યા બાદ ડીમાર્ગેશન કર્યું કરવામાં આવ્યું હતું અને જે તે દબાણ કરતા અને પહેલા પણ નોટિસ આપી દેવામાં આવી હતી. જે પૈકીના કેટલાક દબાણકર્તાઓએ પહેલેથી જ જે તે મિલકતોને વધુ નુકશાન ન થાય તે માટે આપમેળે જ દબાણમાં આવતા હિસ્સાને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ બધી રોડ વિસ્તારમાં તંત્ર દ્વારા ઓટલા સેડ સહિતની તોડવાની કામગીરી દરમિયાન આજરોજ તોડી પડેલી દુકાનોને નોટીસ આપવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર આ કામગીરી વિલંબમાં પડી હતી. જે બાદ આજરોજ વહીવટી તંત્ર દ્વારા પુન: ગોદીરોડ વિસ્તારમાં સ્માર્ટ રોડ બનાવવાની કામગીરી દરમિયાન રસ્તામાં આવતી અવરોધરૂપ ઉપરોક્ત દબાણનો આજરોજ સફાયો કરવામાં આવ્યો હતો.
ગોદીરોડનો લેન્ડમાર્ક ગણાતી પોલીસ ચોકી હવે ઇતિહાસ બનશે…
શહેરના અને 80,000 ની વસ્તી ધરાવતા ગોદીરોડ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ અંતર્ગત આવતી પોલીસ ચોકી છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત હોવાથી આ પોલીસ ચોકી એક લેન્ડમાર્ક તરીકે પ્રસ્થાપિત થઈ હતી. અંતર્ગત ચાલી રહેલા કામોમાં હવે આ પોલીસ ચોકીને ગોદીરોડ ખાતેથી ખસેડી ચાકલીયા રોડ પર નગરપાલિકાના જુના ઓકટ્રોય નાકા ખાતે ટ્રાન્સફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એકાદ બે દિવસમાં પોલીસ દ્વારા તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પાલિકા દ્વારા ગોદીરોડ ખાતે વર્ષોથી કાર્યરત પોલીસ ચોકીને તોડી પાડ્યા બાદ લેન્ડમાર્ક તરીકે પ્રસ્થાપિત થયેલી આ પોલીસ ચોકી હવે ઇતિહાસ બની જશે.
રેલવેની એન્ટ્રી ગેટ પાસેના દબાણ દૂર થતાં અહીંયા પાર્કિંગ તેમજ રીક્ષા સ્ટેન્ડની સુવિધા ઉભી કરાશે….
શહેરના ગોદી રોડ વિસ્તારમાં રેલવેની એન્ટ્રી ગેટ પાસે આવેલા સુલભ શૌચાલય તેમજ પાંચ જેટલી દુકાનો જે રસ્તામાં દબાણમાં આવતી હોવાથી તંત્ર દ્વારા આજરોજ તોડી પાડવામાં આવી છે. આ સ્થળ પર તંત્ર દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત રેલવે સ્ટેશન ખાતે અવરજવર કરતા મુસાફરો તેમજ મુલાકાતિઓ માટે પાર્કિંગ તેમજ ઓટો રીક્ષા સ્ટેન્ડ સહિતની અલાયદી સુવિધા ઉભી કરવામાં આવશે, તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.