સ્માર્ટ સીટીનું બુલડોઝર ફરી વળ્યું,દાહોદના હાર્દ સમા વિસ્તારોમાં તંત્રની મેગા ડીમોલેશન ડ્રાઇવ, નેતાજી બજારથી શરૂ કરી પાલિકા ચોકમાં બુલડોઝર ફરી વળતા મસ મોટા શોરૂમ મિનિટોમાં ખંડેેર થઇ ગયા

દાહોદ,દાહોદમાં આજે સવારે દબાણ હટાવ ઝુંબેશનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવતાં આખાયે શહેરમાં ઉત્તેજના સાથે દોડધામ મચી ગઇ હતી. કારણ કે, શહેરના હાર્દ સમા નગર પાલિકા ચોકમાંથી પાકા દબાણો હટાવવામાં આવતાં શહેરીજનો અને વેપારીઓ અવાક રહી ગયા હતા. શહેર આજે સ્વયંભુ બંધ રહ્યું છે. ત્યારે કેટલાયે પરિવારોમાં શોકની કાલિમા છવાઇ ગઇ છે.

દાહોદનો સમાવેશ સ્માર્ટ સીટીમાં થયા બાદ જમીનની નીચેના તમામ કામ પૂર્ણ કરી દેવાયા છે. હવે શહેરમાં સ્માર્ટ રોડના કામ શરૂ થવાના છે. જેના માટે નિયમોનુસારની રોડની પહોળાઇ જરૂરી છે. જેથી રોડ પર જે દબાણો કરેલા હતા તે હટાવવા જરૂરી હોવાથી આશરે મહિના દોઢ મહિના પહેલા જ માપણી કરીને નિશાન કરી દેવાયા હતા, જ્યાં નિશાન કરાયા હતા. તેની આગળનું બાંધકામ દબાણ છે, તેવો સાદો અર્થ કાઢવામાં આવતો હતો. ત્યાર બાદ પણ વેપારીઓમાં અસમંજસની સ્થિતિ હતી. તેવા સમયે જ નગર પાલિકા દ્વારા દબાણદારોને નોટીસો આપી દઇ દબાણ દુર કરવા જણાવાયું હતું પરંતુ વેપારીઓને ઉંડે ઉંડે આશા હતી કે કોઇક રસ્તો નીકળશે અને છેવટે બે અઢી મહિનાનો સમય આપવામાં આવશે, પણ તેમ થઇ શક્યુ નહી.

એક અઠવાડિયા પહેલા દેસાઇવાડ થી ગોધરા રોડ અને ગોદી રોડના દબાણો દુર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે તારીખ 11 મેના રોજ સવારે જ પડાવમાં કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. નેતાજી બજારથી ઓટલા અને પગથિયા તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ નગર પાલિકા ચોકમાં જેસીબી અને હિટાચી મશીનો સાથે એસડીએમ એન.બી.રાજપુત, એએસપી જગદીશ બાંગરવા, મામલતદાર મનોજ મિશ્રા પોલીસ કુમક તેમજ એસઆરપી જવાનોના બંદોબસ્તમાં આવી પહોંચ્યા હતા. એકાએક જ દબાણો હટાવવાની શરૂઆત કરતા પહેલા જ વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી અને સામાન હટાવવા માટેની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.

તે દરમિયાન નગર પાલિકા પ્રમુખ રીના પંચાલ, પક્ષના નેતા રાજેશ સહેતાઇ, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત દેસાઇ તેમજ અન્ય નગર સેવકોએ પ્રાંત અધિકારી પાસે સમય માંગ્યો હતો કે જેથી સામાન ખસેડી શકાય પરંતુ પ્રાંત અધિકારીએ કોઇની એક ન માની હતી. છેવટે શહેરના હાર્દ સમા પાલિકા ચોકમાં પાકી બહુમાળી દુકાનો પર બુલડોઝર ફરી વળતાં થોડા જ સમયમાં આખુયે માળકુ ખંડેર થઇ ગયું હતું. તેની સામે જ આવેલા એક બે માળના શોપીંગ સેન્ટરની લોબી અને ઝુકાવ પણ તોડી પાડવામાં આવતા હવે વેપારીઓ કે ગ્રાહકો કેવી રીતે દુકાનનમાં જશે તે પણ એક સવાલ છે. આ કામગીરી લગભગ આખો દિવસ ચાલવશે તે નિશ્ચિત છે.

શહેરમાં કુલ 504 જેટલા વેપારીઓને દબાણો ખાલી કરવા નોટીસો આપવામાં આવી છે. ત્યારે કોમર્શીયલ દબાણો દુર કરવાનું આજશી શરૂ થયુ છે. તે પણ શહેરના મુખ્ય બજાર માંથી તેને પ્રારંભ કરાતા સ્માર્ટ રોડ બનવાની દિશા ઉજ્જવળ થઇ છે, પરંતુ તેની સાથે વેપારીઓના ધંધા રોજગાર છીનવાઇ રહ્યા છે, તે પણ એટલું જ કડવુ સત્ય છે. એક સોનાના વેપારીએ તો હાલમાં જ શો રૂમનું રીનોવેશન કરાવ્યું છે. ત્યારે પાંચ થી સાત ફુટ દબાણ હોવાથી તે પણ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તોડ ફોડ દરમિયાન વેપારીઓ અને તેમના પરિવારજનોમાં ગમગીની ચહેરા પર સ્વાભાવિક રીતે જ જોવા મળતી હતી પરંતુ સત્તા આગળ શાણપણ નકામું તે ફરી એકવાર પુરવાર થયુ હોવાની લાગણી વેપારીઓમાં ફેલાઇ છે. બીજી તરફ તંત્રની દલીલ એવી છે કે, તમારા દબાણો બાબતે તમને ખાલી કરવા માર્કિગથી માંડી નોટીસો આપવા સુધીનો સમય મળવા છતાં સ્વૈચ્છાએ દુકાનો ખાલી કરવામાં આવી નથી. ત્યારે રજૂઆત કર્તાઓને પણ તંત્રના અધિકારીઓ જણાવે છે કે, તમે સહકાર આપતા નથી.

દાહોદ શહેર પહેલા ખુલ્લુ હતું અને ત્યારબાદ મોટે ભાગે નગર પાલિકા દ્વારા જ શોપીંગ સેન્ટરો બાંધવામાં આવ્યા હતા અને તેને કારણે શહેરનું નવીનીકરણ થયું હતું. તેની સાથે અપ ડાઉન રસ્તા, ડીવાઇડર વિગેરે પણ બન્યા હતા. હવે જ્યારે આ દુકાનો જ દબાણ હોવાથી તૂટી રહી છે. ત્યારે હાલ તો શહેર વેરાન લાગશે તે નિશ્ચિત છે. જ્યારે ને ત્યારે સ્માર્ટ રોડ બનશે, ત્યારે કેવું દાહોદ હશે તે કલ્પના જ કરવી રહી પણ વર્તમાનમાં તો કલ ચમનથી આજ યે સેહરા હુઆ જેવું લાગી રહ્યું છે.