ટુમેલ, સ્કોટલેન્ડથી બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોતના અહેવાલ આવતા ખળભળાટ મચી ગયો છે. આ બંનેએ ડૂબી જવાથી જીવ ગુમાવ્યો હોવાનો ખુલાસો થયો છે.
માહિતી અનુસાર ચાર મિત્રો ધોધ માટે પ્રસિદ્ધ એવા લિન ઓફ ટુમેલ ટૂરિસ્ટ સ્પોટ ખાતે ટ્રેકિંગ માટે ગયા હતા. જ્યાં તેઓ દુર્ઘટનાનો શિકાર થયા હતા. એક મૃતક ૨૨ વર્ષનો અને બીજો ૨૭ વર્ષનો હોવાની જાણકારી છે. ટ્રેકિંગ દરમિયાન બંનેએ અચાનક બેલેન્સ ગુમાવ્યું અને પાણીમાં પડી ગયા હતા.
તેમના મૃતદેહો પણ મળી આવ્યા છે. આ અકસ્માત રાત્રે થયો હતો. લિન ઓફ ટુમેલ પર્થશાયરના પિટલોચરીની ઉત્તર-પશ્ર્ચિમે આવેલ છે. અહીં ટુમેલ અને ગેરી નદીઓનું સંગમ થાય છે. આ વિસ્તાર ખડકો અને ધોધ માટે પ્રખ્યાત છે.બંને મૃતક વિદ્યાર્થીઓ ડુંડી યુનિવસટીના વિદ્યાર્થીઓ હતા. બે લોકો પાણીમાં પડતાં જ અન્ય બંને મિત્રોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને મૃતકો આંધ્રપ્રદેશના રહેવાસી હતા. લંડન સ્થિત ભારતીય દૂતાવાસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમના મૃતદેહ મળી આવ્યા છે. દૂતાવાસ વિદ્યાર્થીઓના પરિવારના સંપર્કમાં છે. ડુંડી યુનિવસટીએ પણ શક્ય તમામ મદદની ખાતરી આપી છે.