હૈદરાબાદ, આંધ્રપ્રદેશ હાઈકોર્ટે સ્કીલ ડેવલપમેન્ટ કેસમાં આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ અને ટીડીપી ચીફ એન ચંદ્રબાબુ નાયડુને ચાર સપ્તાહ માટે વચગાળાના જામીન આપ્યા છે. હાઈકોર્ટના વકીલ સુનાકારા કૃષ્ણ મૂર્તિએ આ માહિતી આપી હતી. અહેવાલ છે કે નાયડુ તરફથી હાજર રહેલા વકીલોએ કોર્ટને જણાવ્યું કે તેમને મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે. આ પછી આંધ્રપ્રદેશ હાઈકોર્ટે પૂર્વ મુખ્યમંત્રીને સ્વાસ્થ્યના કારણોસર જામીન આપ્યા હતા.
હાઈકોર્ટના આદેશ અનુસાર ચંદ્રબાબુ નાયડુને ૨૪ નવેમ્બર સુધી જામીન આપવામાં આવ્યા છે. તેને ૨૪ નવેમ્બરે આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટ તેમની મુખ્ય જામીન અરજી પર ૧૦ નવેમ્બરે સુનાવણી કરશે. કોર્ટે તેમને હોસ્પિટલ જવા સિવાય અન્ય કોઈ કાર્યક્રમમાં હાજરી ન આપવાનો આદેશ આપ્યો છે. તેમને ખાસ કરીને મીડિયા અને રાજકીય ગતિવિધિઓથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ચંદ્રબાબુ નાયડુની ૯ સપ્ટેમ્બરે ૩૭૧ કરોડ રૂપિયાના સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ એ ૯ સપ્ટેમ્બરે સવારે લગભગ ૬ વાગ્યે તેની ધરપકડ કરી હતી જ્યારે તે જ્ઞાનપુરમમાં બસમાં સૂતો હતો. CID નો દાવો છે કે નાયડુના નેતૃત્વમાં શેલ કંપનીઓ દ્વારા સરકારી નાણાં ખાનગી સંસ્થાઓમાં ટ્રાન્સફર કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
આ કૌભાંડ અંગે એન્ટી કરપ્શન બ્યુરોએ વર્ષ ૨૦૧૮માં ફરિયાદ કરી હતી. વર્તમાન સરકારની તપાસ પહેલા જીએસટી ઈન્ટેલિજન્સ વિંગ અને ઈક્ધમટેક્સ વિભાગ પણ આ કૌભાંડની તપાસ કરી રહ્યા હતા.