સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે. સેનાએ પુષ્ટિ કરી કે અસદ દેશ છોડી રહ્યા છે અને કહ્યું કે દેશમાં રાષ્ટ્રપતિની સત્તા સમાપ્ત થઈ ગઈ છે. છેલ્લા 11 દિવસથી વિદ્રોહી જૂથો અને સેના વચ્ચે સીરિયામાં કબજા માટે લડાઈ ચાલી રહી હતી.
વિદ્રોહીઓ રાજધાની દમાસ્કસ પ્રવેશ્યા છે. સીરિયાના PMએ બળવાખોરોને સત્તા સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પીએમ મોહમ્મદ ગાઝી અલ જલાલીએ એક રેકોર્ડિંગમાં કહ્યું છે કે તેઓ દેશમાં જ રહેશે અને સીરિયાના લોકો જેને પસંદ કરશે તેની સાથે કામ કરશે.CNNના અહેવાલ મુજબ છેલ્લા એક સપ્તાહમાં વિદ્રોહીઓએ રાજધાની દમાસ્કસ સિવાય સીરિયાના ચાર મોટા શહેરો પર કબજો કરી લીધો છે. જેમાં અલેપ્પો, હમા, હોમ્સ અને દારાનો સમાવેશ થાય છે.
બળવાખોર લડવૈયાઓ દારાના શહેરમાંથી રાજધાની દમાસ્કસમાં પ્રવેશ્યા, જેમને તેઓએ 6 ડિસેમ્બરે કબજે કર્યું. દારા એ જ શહેર છે જ્યાં 2011માં રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિરુદ્ધ બળવો શરૂ થયો હતો અને દેશભરમાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું. દારાથી રાજધાની દમાસ્કસનું અંતર લગભગ 100 કિમી છે. સ્થાનિક બળવાખોરોએ અહીં કબજો કરી લીધો છે.
તે જ સમયે, અલેપ્પો, હમા અને હોમ્સ ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ હયાત તહરિર અલ-શામના નિયંત્રણમાં છે. સંઘર્ષને કારણે અત્યાર સુધીમાં 3.70 લાખ લોકો વિસ્થાપિત થયા છે. જોકે લોકો અસદ સરકારના પતનનો જશ્ન મનાવી રહ્યા છે. સેનાની ટેન્ક પર ચડીને ઉજવણી કરતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
સેના અને સીરિયન વિદ્રોહી જૂથ હયાત તહરિર અલ શામ (HTS) વચ્ચે 2020ના યુદ્ધવિરામ પછી 27 નવેમ્બરના રોજ સીરિયામાં ફરીથી અથડામણો શરૂ થઈ. આ પછી 1 ડિસેમ્બરે વિદ્રોહીઓએ સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો પર કબજો કરી લીધો. સીરિયન યુદ્ધ દરમિયાન 4 વર્ષની લડાઈ પછી રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દ્વારા તે જીતવામાં આવ્યું હતું.
અલેપ્પો પર વિજય મેળવ્યાના ચાર દિવસ પછી બળવાખોર જૂથોએ અન્ય મુખ્ય શહેર, હમા અને પછી દક્ષિણ શહેર દારા પર કબજો કર્યો. આ પછી રાજધાની દમાસ્કસને બે દિશામાંથી ઘેરી લેવામાં આવ્યું છે. દારા અને રાજધાની દમાસ્કસ વચ્ચે માત્ર 90 કિમીનું અંતર છે.આ રીતે અસદે માત્ર 11 દિવસમાં જ પોતાની સત્તા ગુમાવી દીધી અને સીરિયા પર અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત આવ્યો.