
રવિવારે, 8 ડિસેમ્બરના રોજ બળવાખોર લડવૈયાઓના દળો સિરિયાની રાજધાની દમિશ્કમાં પ્રવેશ્યા. ત્યારે સમાચાર આવ્યા કે રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે. આ સાથે અસદ પરિવારના 54 વર્ષ જૂના શાસનનો અંત આવ્યો. જેમાંથી 24 વર્ષ બશર અલ-અસદના છે. 2011માં ગૃહયુદ્ધની શરૂઆત પછી ઘણા પ્રસંગો આવ્યા જ્યારે અસદની સરકાર પડતા જોવા મળી, પરંતુ તે દરેક વખતે સત્તા બચાવવામાં સફળ રહ્યા હતા.
સરકાર પડતાંની સાથે જ ભીડ ઉજવણી કરતી હતી, લડવૈયાઓ આનંદમાં ગોળીબાર કરી રહ્યા હતા અને રાષ્ટ્રપતિ ભવનમાંથી લોકો સામાન લૂંટી રહ્યા હતા તેવા વીડિયો સામે આવા હતા. ભાસ્કરે સિરિયાની સ્થિતિ સમજવા માટે પોર્ટ સિટી લટાકિયામાં રહેતા પત્રકાર સ્ટીવન સાહિયોન સાથે વાત કરી. તેમણે ફોન ઉપાડ્યો નહીં, પરંતુ જવાબમાં વોઇસ નોટ મોકલી.
સ્ટીવને કહ્યું, ‘હું વીડિયોમાં મારો ચહેરો નથી બતાવી શકતો. સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હું હાલમાં મારા પરિવારને સુરક્ષિત રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. જ્યારે પરિસ્થિતિ થોડી સારી થશે ત્યારે હું તમારી સાથે વાત કરીશ. થોડો સમય પસાર થવા દો, પરિસ્થિતિ સામાન્ય થઈ જશે અને હું સુરક્ષિત રહીશ, પછી ફરી વાત કરીશું.’
આ પછી સ્ટીવન તરફથી કોઈ જવાબ આવ્યો નહીં. અસદ સરકારના પતનના 48 કલાક પછી અમે તેને ફરીથી મેસેજ કર્યો. તે વાત કરવા સંમત થયા, પરંતુ કહ્યું કે સવાલ મોકલી દો, હું વોઇસ નોટ પર જ જવાબ આપીશ.