સિરિયા,ઇઝરાયેલ અને સિરિયા સરહદે તણાવ વધ્યો છે. સિરિયાના રોકેટ હુમલા પછી ઇઝરાયેલે જડબાતોડ જવાબ આપ્યો છે. ઇઝરાયેલના લશ્કરે રવિવારે વહેલી સવારે સિરિયા પર હુમલો કર્યો હતો. પહેલાં તોપમારો અને ત્યાર પછી ઇઝરાયેલના ફાઇટર જેટ્સે સિરિયાના મહત્વના સ્થાનોને ટાર્ગેટ કર્યા હતા. ત્રણ રોકેટના બીજા હુમલા પછી ઇઝરાયેલે પહેલાં જણાવ્યું કે સિરિયાના જે વિસ્તારોમાંથી રોકેટ્સ આવ્યા હતા ત્યાં તેણે તોપમારો કર્યો હતો.
જોકે, પછી લશ્કરે જણાવ્યું હતું કે, ઇઝરાયેલના યુદ્ધ જહાજોએ સિરિયાના લશ્કરી થાણા પર રોકેટથી હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જેરુસલેમમાં ઘણા મોરચે હિંસાથી તણાવ તેમજ શહેરના સંવેદનશીલ ધાર્મિક સ્થળ પર ઇઝરાયેલની પોલિસના દરોડાના કેટલાક દિવસો પછી રોકેટ હુમલા થયા છે. સિરિયાએ રવિવારે છોડેલા બે રોકેટ ઇઝરાયેલની સરહદમાં પડ્યા હતા. એક મિસાઇલની આંતરવામાં આવી હતી. જ્યારે બીજી મિસાઇલ ખુલ્લા વિસ્તારમાં પડી હતી. શનિવારે પહેલા હુમલામાં એક રોકેટ ઇઝરાયેલની ગોલાન હાઇટ્સ ખાતેના ખેતરમાં પડ્યું હતું. અન્ય મિસાઇલ સિરિયાની સરહદ નજીક જોર્ડનના વિસ્તારમાં પડી હતી. હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ ન હતા.
સિરિયામાં પ્રેસિડેન્ટ બશર અસદના એક સલાહકારે રોકેટ હુમલાને ’ક્રૂર દુશ્મન પર ભૂતકાળ, વર્તમાન અને તાજેતરના ઘટનાક્રમનો જવાબ ગણાવ્યો હતો.’ ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલે સિરિયા પર ઇરાનનો કબજો અટકાવવાનો દાવો કર્યો છે અને તેના ભાગરૂપે તાજેતરના વર્ષોમાં સિરિયાના સરકાર નિયંત્રિત વિસ્તારોમાં ઘણા હુમલા કર્યા છે. જોકે, ઇઝરાયેલે ભાગ્યે જ તેની જવાબદારી લીધી છે. તાજેતરના હુમલા અગાઉ સિરિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇઝરાયેલે ચાલુ વર્ષે ૧૦ હુમલા કર્યા છે. જેમાં કેટલાક હુમલાને પગલે દમાસ્ક્સ અને એલેપ્પો એરપોર્ટ્સને કામચલાઉ ધોરણે બંધ કરવા પડ્યા હતા.