સીરિયા ભાગી ગયેલા અસદ પુતિનનાં શરણે : 50 વર્ષ બાદ ઈઝરાયલની સેના સીરિયામાં ઘૂસી

સિરિયામાં વિદ્રોહી જૂથોએ રાજધાની દમાસ્કસ પર કબજો કરી લીધો છે. સિરિયામાં 27 નવેમ્બરના રોજ બળવાખોર જૂથો અને સેના વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. એક પછી એક ચાર શહેર પર વિજય મેળવ્યા પછી બળવાખોરોએ 8 ડિસેમ્બરે રાજધાની દમાસ્કસ પર પણ કબજો કર્યો. આ સાથે જ સિરિયામાં અસદ પરિવારના 5 દાયકા લાંબા શાસનનો અંત આવ્યો છે.

રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, રશિયન રાષ્ટ્રપતિ પુતિને અસદ અને તેના પરિવારને રાજકીય આશ્રય આપ્યો છે. અમેરિકાએ સિરિયામાં અસદ સરકારના પતનનું સ્વાગત કર્યું છે. એ જ સમયે રવિવારે સિરિયામાં ISISના 75થી વધુ લક્ષ્યો પર સચોટ હુમલા કરવામાં આવ્યા હતા.

ટાર્ગેટ પૂર્વ સિરિયાના બદિયાહ રણમાં કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 52 બોમ્બર, B-52, F-15 અને A-10 એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલાઓ અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું-

સિરિયામાં સત્તાનું સંતુલન બદલાઈ ગયું છે. ISIS આનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ અમે આવું થવા દઈશું નહીં.

અસદ સરકારના સાથી દેશ ઈરાને સિરિયામાં બળવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ રવિવારે કહ્યું હતું કે તેઓ આશ્ચર્યચકિત છે કે સિરિયન સૈન્ય બળવાખોરોને રોકી શક્યું નથી, તેમણે ઉમેર્યું હતું કે આ બધું ખૂબ ઝડપથી થયું. અરાગચીએ એમ પણ કહ્યું હતું કે સિરિયાના રાષ્ટ્રપતિ અસદે ઈરાન પાસેથી કોઈ મદદ માગી નથી.

સીરિયાના કેમિકલ હથિયારોનો ખોટા ઉપયોગનો ભય

સીરિયામાં ઊથલપાથલ વચ્ચે ઈઝરાયલના વિદેશ મંત્રી ગિદિયોને ત્યાંના રાસાયણિક હથિયારો અંગે ચિંતા વ્યક્ત કરી છે.જો આ હથિયારો કટ્ટરપંથીઓના હાથમાં આવી જશે તો તેનો દુરુપયોગ થશે તેવો ભય તેમણે વ્યક્ત કર્યો છે. હકીકતમાં, સીરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના શાસન દરમિયાન, રાસાયણિક હથિયારોનું ઘણું ઉત્પાદન થયું હતું, જેનો ઉપયોગ અસદ દ્વારા વિદ્રોહીઓ વિરુદ્ધ કરવામાં આવ્યો હતો.

ઈઝરાયલની સેનાએ સીરિયામાં ઘૂસણખોરી શરૂ કરી દીધી

અસદ સરકારના પતન બાદ ઈઝરાયલે સીરિયાની સરહદ પાર કરી છે અને 50 વર્ષમાં પ્રથમ વખત ત્યાં પોતાની સેના મોકલી છે. આ પહેલા 1973માં ઈઝરાયલની સેના સીરિયામાં ઘૂસી ગઈ હતી.ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, સીરિયાનો વિસ્તાર જ્યાં ઈઝરાયલી દળોએ પ્રવેશ કર્યો છે તે ડિમિલિટરાઈઝ્ડ ઝોન છે. સીરિયાની સેના અહીંથી ભાગી ગઈ છે.ઈઝરાયલની સેનાએ સીરિયાની બાજુમાં માઉન્ટ હેરમોન વિસ્તાર સહિત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થાનો પર કબજો કરી લીધો છે.