સિરાજે કરક્સર કરવામાં રચ્યો રેકોર્ડ, વિશ્ર્વભરના ટોચના બોલરોને પાછળ મૂકી દીધા

રાયપુર,

ભારતીય બોલિંગ આક્રમણ સામે ન્યુઝીલેન્ડની ટીમ શુક્રવારે રાયપુરમાં માત્ર ૧૦૮ રનમાં જ ધરાશાયી થઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે રાયપુરમાં કરક્સર ભરી ઓવર કરીને કિવી ટીમને પરેશાન કરી હતી.

ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજનુ પ્રદર્શન હાલમાં સારુ રહ્યુ છે. છેલ્લા એકાદ વર્ષથી તેના પ્રદર્શનના આંકડા સારા રહ્યા છે. શ્રીલંકા સામે જબરદસ્ત પ્રદર્શન કર્યા બાદ તે આઈસીસી વનડે રેન્કિંગમાં પણ જબરદસ્ત છલાંગ લગાવી ત્રીજા ક્રમે પહોંચ્યો છે. પાવર પ્લેનો કિંગ ગણાતો સિરાજ હાલમાં કરક્સરને મામલે કમાલ કરી રહ્યો છે.

શુક્રવારે રાયપુરમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની બીજી વનડે મેચમાં જબરદસ્ત બોલિંગ કરી હતી. તેણે રાયપુરમાં ૬ ઓવર કરી હતી. આ દરમિયાન ૨ વિકેટ માત્ર ૧૦ રન ગુમાવીને ઝડપી હતી. આ ૬ ઓવરના સ્પેલમાં તેણે એક મેડન ઓવર કરી હતી. પ્રથમ વનડેમાં ગત બુઘવારે હૈદરાબાદમાં સિરાજે એક મેડન ઓવર કરી હતી. આ સાથે જ તે વર્ષ ૨૦૨૨ થી અત્યાર સુધીમાં સૌથી વધારે મેડન ઓવર કરનારો બોલર બન્યો છે.

આ દરમિયાન સિરાજે કુલ ૧૭ ઓવર મેડન કરી છે. વર્ષ ૨૦૨૨ થી અત્યાર સુધીમાં મેડન ઓવર કરવાના મામલામાં જોશ હેઝલવુડ બીજા સ્થાને છે, તેણે ૨૪ મેડન ઓવર કરી છે. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ આ મામલામાં ત્રીજા સ્થાને છે. તેણે ૧૦ ઓવર મેડન કરી છે.

સિરાજે અત્યાર સુધીમાં આ વર્ષે માત્ર ૫ જ મેચ રમી છે. જેમાં તેણે ૧૫ વિકેટ ઝડપી છે. તે આ વર્ષનો સૌથી સફળ ભારતીય બોલર રહ્યો છે.

આઈસીસી રેન્કિંગમાં તે વિશ્ર્વનો ત્રીજા નંબરનો વનડે બોલર રહ્યો છે. તેણે શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં ૯ વિકેટ ઝડપી હતી. આ સાથે જ તે રેન્કિંગમાં ત્રીજા ક્રમે પહોંચ્યો હતો. આ પહેલા તે ૧૮માં ક્રમે હતો. તે ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝ બાદ પોતાના ક્રમમાં સુધાર કરી શકશે. તેની આગળ બીજા સ્થાને હેઝલવુડ ૭૨૭ પોઈ્ટ સાથે છે. જ્યારે નંબર વન પર રહેલો બોલ્ટ ૭૩૦ પોઈન્ટ ધરાવે છે. સિરાજ ૬૮૫ પોઈન્ટ ધરાવે છે.