ચટગાંવ,
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટના બીજા દિવસને રમત પૂર્ણ થઈ ગઈ છે. તો ટીમ ઈન્ડિયાએ આ મેચમાં મજબૂત પકડ બનાવી લીધી છે. હકીક્તમાં ભારતીય ટીમના ૪૦૪ રનના જવાબમાં બાંગ્લાદેશની ટીમે ૧૩૩ રનમાં ૮ વિકેટ ગુમાવી દીધી છે. આ સમયે બાંગ્લાદેશ માટે ઇબાદત હુસૈન અને મેહદી હસન મિરાઝ ક્રીઝ પર છે. ભારતીય ટીમ માટે કુલદીપ યાદવે સૌથી વધુ વિકેટ લીધી છે. કુલદીપ યાદવે ચાર સફળતા મેળવી છે. જ્યારે મોહમ્મદ સિરાજને ત્રણ અને ઉમેશ યાદવને એક વિકેટ મળી છે. તો પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા ૪૦૪ રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ભારત માટે ચેતેશ્ર્વર પુજારા (૯૦) શ્રેયસ અય્યર (૮૬) સિવાય આર અશ્ર્વિન (૫૮) એ અડધી સદી ફટકારી હતી. બાંગ્લાદેશ માટે તૈજુલ ઇસ્લામે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. ઇસ્લામા ૪૬ ઓવરમાં ૧૩૩ રન આપી ચાર બેટરોને આઉટ કર્યાં હતા. તૈજુલ ઇસ્લામે વિરાટ કોહલી, ચેતેશ્ર્વર પુજારા, શુભમન ગિલ અને કુલદીપ યાદવને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. ભારત માટે મેચના બીજા દિવસે શ્રેયસ અય્યર અને આર અશ્ર્વિને ઈનિંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ અય્યર ૮૬ રન બનાવી આઉટ થઈ ગયો હતો. એમે ૧૯૨ બોલનો સામનો કરતા ૧૦ ચોગ્ગા ફટકાર્યા હતા. આર અશ્ર્વિને ઉપયોગી ૫૮ રન બનાવ્યા હતા. તેણે ૧૧૩ બોલનો સામનો કરતા બે સિક્સ અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. અશ્ર્વિન અને કુલદીપ વચ્ચે ૮૭ રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. કુલદીપે પોતાના ટેસ્ટ કરિયરનો સર્વોચ્ચ સ્કોર બનાવતા ૪૦ રન ફટકાર્યા હતા. આ ભાગીદારીની મદદથી ભારતીય ટીમ ૪૦૦નો આંકડો પાર કરવામાં સફળ રહી હતી.