- અકસ્માત ગ્રસ્ત યુવાનોના રોકડ રૂપિયા 80,000/- હજાર તથા બે સ્માર્ટફોન લીંમડી 108 ના કર્મચારીઓએ પરત કર્યા.
દાહોદ,
આજરોજ બપોરના સિંગવડ તાલુકાના કાળીયારાઈ ગામે મોટર સાયકલ સવાર બે યુવાનોને અકસ્માત નડતા ઘાયલ થયા હતા. જે બાબતે 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં લીંમડી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે સિંગવડ સીએસસી ખાતે લઈ જવામાં આવ્યા હતા.
જાણવા મળેલ વિગતો મુજબ આજરોજ બપોરના અઢી વાગ્યાના અરસામા મોટર સાયકલ સવાર બાબુલાલ દામોદરભાઈ રાઠોડ તથા મનીષકુમાર મહેન્દ્રભાઈ નાઓ મોટર સાયકલ ઉપર પોતાના કામ અર્થ જઈ રહ્યા હતા. તેવા સમયે કાળિયારાઈ ગામે તેઓને અકસ્માત નડ્યો હતો અને ઘાયલ થયા હતા. જેની જાણ 108ને કરાતા તાત્કાલિક લીમડી એમ્બ્યુલન્સ સાથે પાયલોટ દિવ્યરાજસિંહ ચૌહાણ તથા ઇએમટી મહેશભાઈ ગરાસિયાનાઓ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે આ બંને ઈજાગ્રસ્ત યુવાનોની તપાસ કરતા તેઓ પાસેથી રોકડ રૂા. 80,000 તથા બે સ્માર્ટફોન મળી આવ્યા હતા. જે રોકડ તથા સ્માર્ટફોન 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ કબજે લીધા હતા અને ઇજાગ્રસ્તોને સિંગવડ સીએસસી ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઇજાગ્રસ્ત યુવાનોના સંબંધી એવા રાહુલભાઈને 108 ના કર્મચારીઓએ રોકડ રૂા.80,000 તથા બે સ્માર્ટફોન પરત કરી માનવતા દાખવી હતી.